ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન અને કોરોનાની અસરના કારણે દેશની ગરીબ જનતાને હજુ પણ દિવાળી એટલે કે નવેમ્બર સુધી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પીએમ મોદીનો ગરીબ જનતા પ્રત્યે સંવેદનશીલ નિર્ણય ગણાવ્યો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના 80 કરોડ ગરીબોને જુલાઈથી નવેમ્બર એમ વધુ મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવાની કરેલી જાહેરાતને દેશના ગરીબ-વંચિત-પીડિત-શોષિતો માટે રાહતરૂપ અને માનવીય સંવેદનાસ્પર્શી જાહેરાત ગણાવી છે. મહત્વપૂર્ણ જાહેરાત કોરોના સંક્રમણની અને લોકડાઉનની સ્થિતીમાં ગરીબ વર્ગોને વિનામૂલ્યે ખાદ્યાન્ન મેળવી અને ઘરનો ચૂલો પ્રગટેલો રાખવામાં અત્યંત ઉપકારક થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે 80 કરોડથી વધુ લોકોને કોરોના સંક્રમણની સ્થિતીમાં કોરોના સામે લડતાં લોકડાઉનના 3 મહિના દરમ્યાન વિનામૂલ્યે વ્યકિત દિઠ 5 કિલો ઘઉં અને ચોખા તથા દરમહિને પરિવાર દીઠ 1 કિલો દાળ વિનામૂલ્યે આપવાની રહેશે. ગરીબોને નિ:શુલ્ક અનાજ વિતરણની રુ.90 હજાર કરોડની યોજનાની જે જાહેરાત કરી છે તે રક્ષાબંધન, જન્માષ્ટમી, બિહૂ, નવરાત્રિ, ગણેશોત્સવ જેવા તહેવારોમાં ગરીબ પરિવારોને ભૂખ્યા સુવા વારો ન આવે તે માટે ઉપયુકત બનશે એમ પણ યોજનાની જાહેરાતને આવકર્યો હતો.
આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત એક કરી મહેનત કરવાના અને લોકલ માટે વોકલ થવાના કોલને સાડા 6 કરોડ ગુજરાતીઓ એક બની નેક બની સાકાર કરવામાં કોઇ કસર નહિ છોડે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રી મોદીને સમગ્ર ગુજરાતની જતા જનાર્દન વતી આપ્યો છે.