હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના કલેકટરોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવાની તાકિદ CM વિજય રૂપાણીએ કરી હતી. સમીક્ષા બેઠક બાદ CMએ જણાવ્યું હતું કે, શનિવારે સવારથી જ સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સુરતના માંગરોળ અને ઓલપાડમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ હતી. જે કિમ નદીમાં પાણી વહી જતા હવે સામાન્ય થઇ છે. મધ્ય ગુજરાતના ખંભાત તાલુકામાં 4 કલાકમાં 18થી 19 ઇંચ વરસાદ વરસ્યો છે. તે સાથે આણંદ, નડિયાદ સહિત એક સાથે વ્યાપક વરસાદ થવાથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. સમગ્ર રાજ્યમાં 6 હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત-કચ્છમાં પણ વ્યાપક વરસાદની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર મૂક્યું છે. એટલું જ નહીં NDRF, SDRF ફાયરબ્રિગેડ સહિતની ટીમો બચાવ-રાહત કામો માટે ખડેપગે રાખી છે.
વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 21 તાલુકાઓમાં 4 થી 13 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ 383 મી.મી. એટલે કે 15.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતમાં ઓલપાડ તાલુકામાં 321 મી.મી. એટલે કે 13 ઇંચ, સુરતનાં ઉમરપાડા તાલુકામાં 256 મી.મી. એટલે કે 10 ઇંચથી વરસાદ ખાબક્યો હતો.
વરસાદ નોધાયો..
હાંસોટ | 190 મી.મી |
કામરેજ | 175 મી.મી |
માંગરોળ | 166 મી.મી., |
આણંદ | 163 મી.મી |
વાપી | 157 મી.મી |
પારડી | 156 મી.મી |
વઘઇ | 152 મી.મી |
બોરસદ | 150 મી.મી |
ખેરગામ | 143 મી.મી |
સુરત | 140 મી.મી |
કપરાડા | 128 મી.મી |
અંકલેશ્વર | 125 મી.મી |
વલસાડ | 120 મી.મી |
વ્યારા | 115 મી.મી |
માંડવી(સુરત) | 110 મી.મી |
વાંસદા | 109 મી.મી |
કપડવંજ | 101 મી.મી |
વાલીયા | 100 મી.મી |