ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 થી 12 જાન્યુઆરીના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 3 જાન્યુઆરીના રોજ બુધવારે સવારે 10 કલાકે કેબિનેટ બેઠક યોજાશે. જેમાં આવનારા અઠવાડિયામાં રાજ્યના સૌથી મોટા ઇવેન્ટ એવા વાઈબ્રન્ટ સમીટની આખરી સમીક્ષા કરવામાં આવશે.
આઈએએસની વિશેષ કમિટી : ગુજરાત સરકાર દ્વારા દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશવિદેશથી આવનારા ડેલિગેટ્સને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિશેષ સિનિયર આઈએએસ અધિકારીઓની એક કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં અલગ અલગ અધિકારીઓને ડેલિગેટના રોકાણ, ટ્રાન્સપોર્ટેશન અને તમામની વ્યવસ્થાની સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો વાઈબ્રન્ટમાં ભાગ લેવા આવનારા તમામ ડેલિગેટ્સને અમદાવાદ અને ગાંધીનગરની હોટેલમાં સ્ટે આપવામાં આવ્યો છે.
ગુજરાત ટુરિઝમનું વિશેષ આયોજન : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટમાં હાજર રહેનાર દેશ વિદેશના ડેલિગેટને વિશેષરૂપે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવાનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના રિવર ફ્રન્ટ અને ગાંધીનગર અડાલજની વાવની મુલાકાત કરાવવાનું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ડેલિગેટ્સને લઈ જવામાં આવશે.
8 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ : ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. જ્યારે ગયા વર્ષે સાપુતારા ગાંધીધામ કચ્છ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે તેની પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. સાત જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે જેને લઇને કામગીરી સમીક્ષા કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી પહેલાં ભરતીની જાહેરાત : રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાત સરકારમાં વિવિધ વિભાગો અને આયોગમાં ખાલી પડેલ સરકારી જગ્યાઓ ભરવા હલચલ જોવા મળી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને ખાલી જગ્યા માટે તમામ વિભાગો પાસેથી માહિતી મંગાવી હતી, ત્યારે હવે માર્ચ મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં લોકસભાની ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા હજારોની સંખ્યામાં ભરતીની જાહેરાત કરશે. બે દિવસ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 5,000 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.