ગાંધીનગર: શહેરમાં આવેલી ખાનગી શાળાઓ જાડી ચામડીની થઈ ગઈ છે. સરકાર દ્વારા કરવામાં આવતા આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય, તેવા અનેક દાખલા અગાઉ બની ચૂક્યા છે. શાળાની ફી રેગ્યુલર કમિટી દ્વારા નક્કી કરવામાં આવી હોવા છતાં, સ્કૂલ પ્રશાસન પોતાને મન ફાવે તેટલી ફી વાલીઓ પાસેથી વસુલતું હોય છે.
રવિવારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિ અને શિક્ષણ વિભાગના વિનોદ રાવ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 16થી 29 માર્ચ દરમિયાન તમામ શૈક્ષણિક સંકુલ બંધ રહેશે. તે ઉપરાંત સિનેમા ઘરો અને સ્વીમીંગ પુલ પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી રેડીયંટ સ્કૂલ દ્વારા સરકારના આદેશની અવગણના કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આ્યું હતું. 10-10 વાગ્યા સુધી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ રાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ફી રેગ્યુલેટરી કમિટીના આદેશનું ઉલ્લંઘન કરીને સ્કૂલ દ્વારા વધુ ફી ઉઘરાવવામાં આવતી હતી. જેથી તે સમયે વાલીઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. સરકારના આદેશનો અનાદર કરતાં શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, શાળાને આ બાબતે જાણકારી દેવામાં આવશે. આ ઉપરાંત શક્ય હશે તો નોટિસ પણ ફટકારવામાં આવશે.