ગાંધીનગર : ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીને લઈને છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો કે, નમસ્તે કાર્યક્રમમાં રૂપાણીને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. ઉપરાંત તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની વેલકમ સેરેમનીમાં પણ ભાગ નહીં લે. જ્યારે સ્ટેડિયમમાં પણ તેઓ નહીં આવે એવા સમાચાર વહેતા થયા હતા.
પરંતુ રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને તમામ પ્રશ્નો ઉપર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમજ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે. ત્યારે વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ચમકી ઉઠશે. તે સમયે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા જશે.
આ ઉપરાંત તેઓ પોતે રોડ શોના યજમાન બનીને કાફલાની સાથે રહેશે. આમ હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું હાર્દિક સ્વાગત કરવા માટે હાજર રહેશે. આ સાથે જ રોડ શો અને અમદાવાદમાં યોજાઇ રહેલ નમસ્તે કાર્યક્રમમાં પણ આગવા સ્થાન ઉપર રહેશે.