સમગ્ર દેશ અને વિશ્વ 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે તેવી માંગ સાથે અનિલ જોષીયારાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં અરજી કરી હતી. આ અરજીને CM રૂપાણીએ ગણતરીની મિનિટોમાં મંજૂરી આપી હતી.
આ બાબતે અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે, 9 ઓગસ્ટના દિવસે અમારો આદિવાસી સમાજ અમારી સંસ્કૃતિને જાળવવા કાર્યક્રમો કરતા હોય છે. આવા સંજોગોમાં આ દિવસે રજા હોવી જોઇએ, તેવી અમારા તમામ કોંગ્રેસના ધારાસભ્યોની માંગણી હતી. આજે અમે તમામ કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યપ્રધાનને મળવા ગયા હતા અને આ દિવસે ઓપ્શનલ રજા માંગી હતી. જેની મંજૂરી મેળવવામાં અમે સફળ થયા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી વિકાસ વિભાગની આજે માંગણીઓ હતી, અમારી જે ગ્રાન્ટ મળે છે તે ઓછી મળે છે. આ ગ્રાન્ટને જુદા જુદા વિભાગોને આયોજન માટે મોકલવામાં આવતી હોય છે, તેના લીધે અમારા સમાજની શું જરૂરિયાત છે? વિસ્તાર અને વસ્તીની શું જરૂરિયાત છે? તે પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. આવા સંજોગોમાં અમે મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરીએ છીએ કે, આ ગ્રાન્ટના આયોજન કરવાની જવાબદારી અમારા વિભાગ હસ્તક હોવી જોઈએ.