- નિવૃત શિક્ષક અને તેના પુત્રોએ લાલચ આપી પૈસા પડાવ્યા
- માણસાના વેડા ગામના પોતાના જ બારોટ સમાજના લોકો વિરુદ્ધ છેતરપિંડી
- સમાજના ઉત્થાન માટે 7 વર્ષ પહેલા લીધા હતા પૈસા
ગાંધીનગર : નિવૃત્ત શિક્ષક બળવંતરાય અંબાલાલ બારોટે વિસનગરના ઉમતા ગામે પોતાની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી ગામના અને સમાજના યુવાનોને રોજગારી આપવાની લાલચ સાથે છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં સમાજના લોકોને સહકારી મંડળી અને સભ્ય બનાવવાની લાલચ આપી ગ્રામજનો અને આગેવાનો પાસેથી બંનેના કામ માટે રૂપિયા 3 કરોડ 81 લાખથી વધુની રકમ 2013માં ઉઘરાવી હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરાઇ નથી. જેના આધારે માણસાના વેળા ગામે બારોટ વાસમાં રહેતા મનહરભાઈ રૂગનાથભાઈ બારોટે માણસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
2013માં જાહેરાત કરી પૈસા લીધા હતા પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરી નથી
વર્ષ 2013માં વેડા ગામ ખાતે સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મૂળ વેડા ગામના વતની અને જૂનાગઢમાં રહેતા બળવંતરાય અંબાલાલ બારોટ જે નિવૃત્ત શિક્ષક છે. તેમના ઘરે આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તમામ બારોટ સમાજના પરિવારજનો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં તેમના ત્રણ પુત્રો અતુલભાઇ, સંજયભાઈ અને કનકભાઈએ ઉમતા ગામે પોતાની 72 વીઘા જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી અને સમાજના બેરોજગાર યુવાનોને નોકરી મળશે તેવું કહ્યું હતું, રોકાણ કરનારને વળતર પણ મળશે આવી લાલચ આપી હતી. એટલું જ નહીં સમાજની સહકારી મંડળી બનાવી સભ્ય બનનારને રકમ જમા કરાવવા તેમજ આ રકમથી આપને સભ્ય બનવા મળશે. આ ઉપરાંત વળતર પણ તેનું મળશે. જેથી તેમની વાતમાં આવી સમાજના લોકોએ પૈસા જમા કરાવ્યા હતા.
સમાજના 17 જેટલા વ્યક્તિઓએ પૈસા જમા કરાવ્યા
બારોટ સમાજના લોકો તેમજ અન્ય ગ્રામજનોએ આ પિતા-પુત્રોને રોકડથી અને ચેકચી ધીમે ધીમે રકમ જમા કરાવી હતી. જોકે પાવતી લખાણ પણ તેનું આપવામાં આવ્યું નહોતું. જેમાં ફરિયાદીએ 48 લાખ જેટલી રકમ જમા કરાવી હતી. આ ઉપરાંત તેમના સમાજના 17 જેટલા લોકોએ સાથે મળી 3 કરોડ 81 લાખ 50,000 રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ સાત વર્ષથી વધુ સમય ગાળો થયો છે. તે છતાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને સહકારી મંડળીનું કામ થયું નથી. સભ્યોએ વારંવાર પૂછ્યું તો તેમને મંજૂરી લેવાના બહાનાઓ બતાવ્યા હતા અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી પિતા અને પુત્ર ગામમાં પણ આવતા નથી. આખરે સભ્યોને છેતરપિંડી થઇ હોવાનું ખ્યાલ આવતા વિશ્વાસઘાત કરનાર પિતા પુત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.