- કલોલમાં CHC સેન્ટરનું કરાયું લોકાર્પણ
- 3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું CHC સેન્ટર
- તમામ મેડિકલ સુવિધાઓ મળી રહેશે
- ડૉકટરોને માનદ વેતન આપીને કલોલવાસીઓને સારી સારવાર મળશે.
ગાંધીનગર: જિલ્લાના કલોલ તાલુકામાં આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ CHC સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ સેન્ટરના લોકાર્પણ બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કલોલ વાસીઓને આરોગ્ય ક્ષેત્રે સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને CHC સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષે આ CHC સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ વર્ષે સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સાંસદ અમિત શાહ દ્વારા 72 લાખના સાધનો આપવામાં આવ્યા
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા કલોલમાં જૂના બિલ્ડિંગમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું. જે હવે નવનિર્મિત નવા બિલ્ડીંગમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. નવું બિલ્ડિંગ બનાવવા અને ફર્નિચર નવું આપવા માટેનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો, ત્યારે ગાંધીનગર સંસદમાં કલોલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે ત્યારે ગાંધીનગરના સાંસદ અમિત શાહ દ્વારા 72 લાખ રૂપિયાના અલગ-અલગ સાધનો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં વેક્સિનની આડઅસર નહીં
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે તો શિક્ષણનું કાર્ય આગળ વધી રહ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં રસીકરણ બાદ કોઇ મોટી આડઅસર થઈ હોય તેવું સામે આવ્યું નથી. જ્યારે આવનારા દિવસોમાં પણ નિર્ધારિત દિવસોમાં આ રસીકરણનું કાર્ય આગળ વધારવામાં આવશે.
વેક્સિનેશન કાર્યક્રમ બાબતે કોંગ્રેસને આડેહાથે લીધી
ગુજરાતમાં જે રીતે રસીકરણ થઈ રહ્યું છે અને કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની રસી બાબતે પણ કોંગ્રેસે શંકા ઉપજાવી હતી. જ્યારે મંગળવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી બાગાયત વિકાસની જે યોજનાઓ જાહેર કરવામાં આવે છે, તેમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે. તેના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, વર્ષોથી પડતર જમીનનો ઉપયોગ થાય અને બાગાયતી પાક ઉત્પાદન થાય અને રોજગારી વધે તેવો હેતુ રાજ્ય સરકારનો છે. જ્યારે સરકાર આ જમીન ફક્ત લીઝ પર જ આપશે અને કોંગ્રેસને તમામ બાબતો પર શંકા જાય છે તેવું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું હતું .
પંચાયતના કર્મચારીઓની હડતાલ પુરી કરીને મારી જોડે ચર્ચા કરે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દરેક કર્મચારી કામગીરી કરવા ફરજથી બંધાયેલા છે. અગત્યનું છે કે ગ્રામ્ય કક્ષાએ પણ રસીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક કર્મચારીઓ કામગીરી ખોરંભે ચડાવે તે યોગ્ય નથી અને રસીકરણના સમયે હડતાલ કરે તે ચાલે નહીં. જેથી કર્મચારીઓ વિના શરતે ફરજમાં જોડાય અને ત્યારબાદ મારી સાથે જરૂર પડે તો જ ચર્ચા કરે તેવું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.