ગૌણ સેવા મંડળ દ્વારા ત્રણ વર્ષ પહેલાં લેવામાં આવેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં નહીં આવતા ઉમેદવારોએ કૃષિભવનમાં કચેરીમાં પ્રદર્શન કર્યુ હતું. ઉમેદવારોએ કહ્યું હતું કે અમને નિમણૂક પત્રો નહીં આપવામાં આવે તો કચેરીમાં જ રામધૂન બોલાવીશું. પરીક્ષામાં પાસ થયા હોવા છતાં ત્રણ વર્ષ સુધી નિમણૂક પત્ર આપવામાં નહીં આવતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ગૌણ સેવા મંડળ દ્વારા 26 જુલાઈ 2017ના રોજ livestock ઈન્સ્પેક્ટરની 400 જગ્યા માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી.
લેખિત કમ્પ્યુટર સહિતની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ 350 જેટલા વિદ્યાર્થીઓ તેમાં ઉત્તીર્ણ થયા છે. પરંતુ, આ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. જેને લઇને ઉમેદવારો દ્વારા કચેરીમાં ધામા નાખવામાં આવ્યા હતાં. ઉમેદવારીપત્ર શા માટે આપવામાં નહીં આવતા તેને લઈને રજૂઆત કરવા આવેલા ઉમેદવાર પુરુષોત્તમ રબારીએ કહ્યું હતું કે, 400 જગ્યાઓ સામે 350 જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. તેમ છતાં અમને શા માટે નિમણૂક પત્ર આપવામાં આવતા નથી તેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અનેક વખત અધિકારીઓ અને પ્રધાનોને રજૂઆત કરી છે. પરંતુ, તેમના બહેરા કાને અમારી વાત સંભળાતી નથી.
તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં નિમણૂક પત્ર લખી આપવામાં આવતા ક્યાંક ઉમેદવારોને ભ્રષ્ટાચારની આશંકા પણ જઈ રહી છે. જેને લઈને અવારનવાર રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ, ઉમેદવારોની રજૂઆતો છતાં કોઈ અધિકારી કહેવા તૈયાર નથી કે પશુધન નિરીક્ષકમાં પાસ થયેલા ઉમેદવારોને ક્યારે ઓર્ડર આપવામાં આવશે ?