ગાંધીનગર : અનલોક-1 અંતર્ગત 1 જૂનથી સરકારી કચેરીઓ અને પ્રધાનોની કચેરીઓ ફરી પૂર્વવ્રત થયા બાદ આજે બુધવારે ફરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બીજી કેબિનેટ બેઠક સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે નર્મદા હોલ-સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે મળી હતી. તમામ અધિકારીઓ અને પ્રધાનો કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, ત્યારે તમામનું થર્મલ સ્ક્રીંનિગ કરીને જ નર્મદા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ અગાઉ લોકડાઉનના સમય દરમિયાન પણ પ્રજા હિતના નિર્ણયો અને જન કલ્યાણ કામો તેમજ આરોગ્ય વિષયક બાબતો સહિતના કામકાજ માટે મંત્રી મંડળની 6 બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આજે બુધવારે મંત્રી મંડળની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત તમામ પ્રધાનો હાજર રહ્યા હતા.