- 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્રની થશે શરૂઆત
- 2 માર્ચએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ હોવાથી સત્ર મોકૂફ
- ત્રીજી માર્ચના રોજ નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત વિધાનસભાગૃહમાં બજેટ રજૂ કરશે
- 1 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 માર્ચના રોજ શરૂ થશે. 1 એપ્રિલ સુધી બજેટ સત્ર કાર્યરત રહેશે. માર્ચ મહિનામાં વધુ પડતી રજા આવતી હોવાના કારણે શનિવારે પણ બજેટ સત્ર કાર્યરત કરવામાં આવશે. આમ એક મહિના સુધી ગુજરાત સરકારનું વિધાનસભા બજેટ સત્ર ચાલશે.
વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સનું કરાશે પાલન
ચોમાસા સત્રમાં જે રીતે ગુજરાત વિધાનસભાની અંદર સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, તેવી જ બેઠક વ્યવસ્થા હવે બજેટ સત્રમાં પણ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વિધાનસભામાં એક ધારાસભ્યની બેઠક વ્યવસ્થા ગોઠવવા પાછળ એક લાખનો ખર્ચ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. આ માટે ધારાસભ્યોને ગેલેરીમાં બેસાડવા લોખંડનું પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આમ ધારાસભ્યોને આરામ યુક્ત બેઠક મળે તે માટે ગૃહ અને ફેશન ગેલેરી વચ્ચે લોખંડનું પ્લેટફોર્મ તૈયાર કરીને ચાર ગેલેરીનો સમાવેશ ગૃહમાં કરાયો છે. ગેલેરીમાં ધારાસભ્યો માટે પણ ગૃહમાં છે તેવી જ નવી બેન્ચની માઈક સાથેની સુવિધા ઉભી કરાઈ છે.
સામાન્ય જનતાને એન્ટ્રી નહીં
ચોમાસુ સત્ર દરમિયાન અને છેલ્લા બજેટ સત્રના છેલ્લા પાંચ થી સાત દિવસોમાં કોરોનાની અસરના કારણે સામાન્ય જનતા માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. વિધાનસભા સંકુલમાં ફક્ત ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યા હતા, ત્યારે આ જ નિયમ ફરીથી માર્ચ મહિનામાં યોજાનારા બજેટ સત્રમાં લાગુ કરવામાં આવ્યો છે. આમ બજેટ સત્રમાં કોઈપણ સામાન્ય જનતાને એન્ટ્રી આપવામાં આવશે નહીં.
રાજ્યપાલના પ્રવચનથી શરૂ થશે બજેટ સત્ર
1 માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકી તથા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જ્યારે બીજી માર્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ હોવાથી રજા રાખવામાં આવી છે. ત્યારબાદ 3 જી માર્ચના રોજ નાણા પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે.