ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં અનેક શહેર તાલુકા અને જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે અને અમુક ઘટનામાં તો આગ લાગે ત્યારે આ ઘટનામાં શ્રમિકોના પણ મૃત્યુ થયા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પર મારે અમદાવાદ અને સુરત શહેર અને જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાનો પ્રશ્ન કર્યો હતો. જેમાં ફક્ત અમદાવાદ અને સુરત શહેર અને જિલ્લામાં કુલ 92 વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
92 વખત આગની ઘટના, 29 શ્રમિકોના મોત : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અમદાવાદ અને સુરત શહેર તથા જિલ્લાના ઔદ્યોગિક એકમમાં આગ લાગવી અથવા તો બ્લાસ્ટ થવાની ઘટના બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં આ તમામ ઘટનાઓમાં કેટલા શ્રમિકોના મૃત્યુ નોંધાયા છે. ત્યારે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિ એ અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ બે વર્ષમાં 10 જેટલા મૃત્યુ અને સુરત શહેર અને જિલ્લામાં કુલ 19 જેટલા મૃત્યુ નોંધાયા છે. આમ અમદાવાદ શહેર જિલ્લો અને સુરત શહેર અને જિલ્લામાં કુલ 29 જેટલા શ્રમિકો આગ અને બ્લાસ્ટની ઘટનામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે 39 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.
સરકાર નથી આપતી કોઈ સહાય : અમદાવાદ શહેર અને સુરત શહેર તથા જિલ્લામાં બનેલી આગની અને બ્લાસ્ટની ઘટનામાં રાજ્ય સરકારે મૃતકના વારસદારો અને ઇજાગ્રસ્ત અને કેટલી રકમની સહાય છેલ્લા બે વર્ષમાં ચૂકવવામાં આવી તેવો પ્રશ્ન શૈલેષ પરમાર પૂછ્યો હતો. જેનો જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે ઔદ્યોગિક અકસ્માતોના કિસ્સામાં સરકાર દ્વારા કોઈ જ પ્રકારની સહાય ચૂકવવામાં આવતી નથી.
બાંધકામ શ્રમિક કલ્યાણ માટે શેષનો આંકડો સામે આવ્યો : કોંગ્રેસ સાથે ધારાસભ્ય અમિત ચાવડાએ બાંધકામ શ્રમિકો અને મજરોના કલ્યાણ માટે શેષની રકમનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 જાન્યુઆરી 2023 ની પરિસ્થિતિ એ રાજ્યમાં સરકારી અને ખાનગી બાંધકામના બિલમાંથી શ્રમિકો અને મજૂરોના કલ્યાણ માટે 1 ટકા રકમ શેષ પેટે રકમ સરકારમાં જમા લેવાની જોગવાઈ છે, વર્ષ 2020-21માં 452.92, વર્ષ 2021-22માં 572.24 અને વર્ષ 2022-23(31 જાન્યુઆરી 2023) સુધીમાં 581.48 કરોડ રૂપિયા સરકારમાં જમા કરવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે શ્રમિક કલ્યાણ યોજના, વ્યાવસાયિક રોગોમાં સારવાર, પ્રસૂતિ સહાય જેવી કુલ 20 યોજના પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં કુલ 11,748.27 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પ્રશ્નોત્તરીમાં 18 પ્રશ્નો ચર્ચામાં આવ્યા : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં એક કલાકની અંદર પાંચથી છ પ્રશ્નો ઉપર જ ચર્ચા થાય છે. પરંતુ આજે પાંચ જેટલા ધારાસભ્યો ગેરહાજર રહેવાના કારણે 18 જેટલા પ્રશ્નો પ્રશ્નોત્તરીમાં ચર્ચામાં આવ્યા હતા. જ્યારે પ્રશ્નોત્તરીમાં મહત્વના પ્રશ્નો જેવા કે રાજ્યમાં સી પ્લેન શરૂ કરવા બાબતનો પ્રશ્ન ભાજપના અમદાવાદના સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ અને બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે પ્રશ્ન કર્યો હતો પરંતુ બંને સભ્યો ગેરહાજર રહ્યા હતાં. મહત્વનો પ્રશ્ન હતો જેથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઉઠાવ્યો હતો અને આવા પ્રશ્નમાં સભ્યોએ હાજર રહેવું જરૂરી છે તેવી ટિપ્પણી કરી હતી. ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ પાંચ ધારાસભ્ય ગેરહાજર છે અને પ્રશ્નોની તૈયારી કરવામાં ખર્ચને સમય બન્ને ખર્ચાય છે, જેથી ગેરહાજર રહેલા ધારાસભ્યોને જાણ કરવાની સૂચના આપી હતી.