ગાંધીનગર : શહેરના BSF કેમ્પસમાં 43 માં BSF ઇન્ટર-ફ્રન્ટિયર રેસલિંગ ક્લસ્ટર 2023 ની શરુઆત કરવામાં આવી હતી. 25 જુલાઈ 2023 ના રોજ પોલીસ મહાનિર્દેશક IPS વિકાસ સહાયે મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે ઇન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાત ફ્રન્ટીયર રવિ ગાંધી, વરિષ્ઠ અધિકારીઓ, ખેલાડી, સરહદ રક્ષકો અને તેમના પરિવારો સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
માર્શલ ધૂન પર પરેડ : ઉદઘાટન સમારોહ દરમિયાન ભાગ લેનાર એથ્લેટ્સ તેમના સરહદી વર્દીમાં સજ્જ થઈને BSF બેન્ડની માર્શલ ધૂન પર ગર્વથી કૂચ કરી હતી. જે BSFની વિવિધતા અને એકતાને પ્રતિબિંબિત કરે છે. BSF ટીમ દ્વારા એક મંત્રમુગ્ધ યોગ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કબડ્ડી અને કુસ્તીની રોમાંચક મેચો યોજાઈ હતી.
900 થી વધુ ખેલાડી : આ રમતોત્સવનું આયોજન 25 થી 29 જુલાઈ 2023 સુધી પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે. જેમાં કુસ્તી, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, કબડ્ડી અને બોડી બિલ્ડિંગ જેવી રમતની સ્પર્ધા થશે. જેમાં સ્પર્ધા કરવા માટે BSF ના પૂર્વ અને પશ્ચિમી કમાન્ડના 11 ફ્રન્ટીયર્સનું પ્રતિનિધિત્વ કરતા 900 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોમાં શ્રેષ્ઠ પ્રતિભાઓનો સમાવેશ થાય છે.
એકતાની ભાવનાને પ્રોત્સાહન : કાર્યક્રમને સંબોધતા વિકાસ સહાયે એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે BSFના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ખેલદિલીના મૂલ્યોને જાળવી રાખવા અને રમતવીરોને તેમની પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે શુભેચ્છા આપી હતી. ઇન્સ્પેક્ટર જનરલ રવિ ગાંધીએ 43 મા BSF ઇન્ટર-ફ્રન્ટિયર રેસલિંગ ક્લસ્ટરના આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત તમામ સહભાગીઓ અને અધિકારીઓના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી હતી.
BSF ની સિદ્ધિ : 43 મા BSF ઇન્ટર-ફ્રન્ટિયર રેસલિંગ ક્લસ્ટર એ માત્ર એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણી નથી. પરંતુ રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાને ઉછેરવા માટે BSF ની પ્રતિબદ્ધતાનો પુરાવો પણ છે. BSF ના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને 02 પદ્મશ્રી અને 17 અર્જુન પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.