ગાંધીનગર: રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. તારીખ 14 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા બાબતની પણ આખરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા, બોર્ડ દ્વારા તૈયારીઓ અને પરીક્ષા કેન્દ્ર બાબતની સંકલન માહિતી સાથેની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો કોરોનાના કારણે વર્ષ 2021 માં ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપશે.
વિધાર્થીઓ આપશે પરીક્ષા:રાજ્ય સરકારના પ્રવક્તા અને પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ 10માં આશરે 9.56 લાખ વિધાર્થીઓ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 10 હજાર વિધાર્થીઓ અને આર્ટ્સ કોમર્સમાં કુલ 5 લાખ 65 હજાર જેટલા વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે.છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે પરીક્ષા લેવામાં સમસ્યાઓ થતી હતી. પંરતું હવે કોરોના કેસ ઓછા હોવાના કારણે પરીક્ષામાં કોઇ સમસ્યાઓ નહી આવે.
14 માર્ચ થી પરીક્ષા શરૂ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીથી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આગામી 14 માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં ગુજરાતના 33 જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા અંતર્ગત 958 પરીક્ષા કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 525 પરીક્ષા કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. આ માટે જે તે જિલ્લા શિક્ષણાધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહીઓને લઈ જવા તેમજ લઈ આવવા માટેની ખાસ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ગ આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જે તે સેન્ટર પર સીસીટીવી તેમજ પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે.