ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની જે શાળાઓમાં બોર્ડની પરીક્ષા યોજાનારી છે તેના ઇન્ડેક્સ નંબર પણ આપી દેવામાં આવ્યા છે, પણ નવેમ્બર માસમાં યોજાએલ ગુજરાત ગૌણ સેવા મંડળની બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું.
આ ઘટનાની પોલીસ તપાસમાં અમદાવાદ ના દાણીલીમડા વિસ્તારમાં આવેલ એમ.એસ. પબ્લિક સ્કૂલનું નામ ખુલ્યું છે અને આજ શાળામાંથી પેપર લીક થયું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા એમ.એસ. શાળાને આપવામાં આવેલ ઇન્ડેક્સ નંબર રદ કર્યા છે. જેથી હવે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા એમ.એસ. શાળામાં નહીં યોજાય, સાથે જ રાજ્યમાં જે જે શાળાઓમાં જાહેર પરીક્ષામાં ગેરરિતી થઈ છે, તે અંગેની તમામ વિગતો પણ શિક્ષણ વિભાગ દ્વારા ગૌણ સેવા મંડળ અને પંચાયત વિભાગ પાસેથી લેખિતમાં મંગાવવામાં આવી છે જેને આધારે બીજી અન્ય શાળાના બોર્ડના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવશે.
આ બાબતે શિક્ષણ બોર્ડના અધિકારી ડી.એસ. પટેલ જણાવ્યું હતું કે તાજેતરમાં લેવામાં આવેલી પરીક્ષામાં જે શાળામાં ગેરરીતિ થઈ છે તેવી તમામ શાળાઓના બોર્ડના કેન્દ્ર કરવામાં આવશે, અને તેજ વિસ્તારમાં બીજી શાળામાં વ્યવસ્થા કરવામાં આવશે પણ જો જેતે વિસ્તારમાં બીજી કોઈ શાળાનો વિકલ્પ નહીં મળે તો ગેરરીતિ થયેલ શાળાનું બિલ્ડીંગ બોર્ડ હસ્તગત કરી લેશે અને બોર્ડ પરીક્ષાના દિવસો માટે પોતાનો સ્ટાફ ની ફાળવણી કરશે પણ જેતે સ્કૂલના સ્ટાફ નો ઉપયોગ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પરીક્ષામાં કુલ 39 જેટલી શાળાઓ માં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઉમેદવારોના આગેવાનો દ્વારા પણ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લામાંથી પણ આવી ગેરરીતિ કરનારી શાળાના નામ મંગાવવામાં આવ્યા છે. જે શાળાના નામ ખુલશે તે તમામ શાળાના કેન્દ્રો રદ કરવામાં આવશે અથવા તો બોર્ડ દ્વારા પરીક્ષા માટેનો ખાસ સ્ટાફ મુકવામાં આવશે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ...