ગાંધીનગર તાલુકા પંચાયતની ઉનાવા બેઠકની મતગણતરી સેક્ટર 15 સરકારી કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. 9 વાગ્યે શરૂ થયેલી મતગણતરીની પ્રક્રિયા એક કલાકની અંદર પૂર્ણ થઇ ગઇ હતી. પાંચ રાઉન્ડમાં યોજાયેલી મતગણતરીના અંતે ભાજપના રાકેશ ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર નીતિન પટેલને 395 મતે હાર આપી હતી. પેટાચૂંટણીમાં કુલ 6408 મત પડ્યા હતાં. જેમાં ભાજપના ઉમેદવાર રાકેશ ઠાકોરને 3342 મત, કોંગ્રેસના ઉમેદવાર મિથિલ પટેલને 2947, નોટા 119 મત પડ્યા હતાં.
ઉનાવા, પીંપલજ અને પીંડારડા ગામમાં સૌથી વધુ મત ઉનાવા ગામના હતા. જેમાં ભાજપને કોંગ્રેસ કરતા 87 વધુ મત મળ્યા હતા. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભીનું અવસાન થતાં યોજવામાં આવી હતી. ત્યારે ભાજપે આ પરંપરાગત બેઠક જાળવી રાખી છે.
જ્યારે કોંગ્રેસ આ બેઠક પોતાના પંજામાં લાવવામાં નિષ્ફળ રહી છે. ભાજપના ઉમેદવારનો વિજય થતાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ગુલાલ ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના વિજેતા ઉમેદવાર રાકેશ ઠાકોરના પિતા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂકયા છે. ત્યારે પુત્ર પણ હવે તાલુકા પંચાયતના સદસ્ય બન્યા છે.
ભાજપના વિજેતા ઉમેદવાર રાકેશ ઠાકોરે કહ્યું કે, ઉનાવા પેટાચૂંટણીમાં મતદારો દ્વારા મારા ઉપર વિશ્વાસ મૂકીને મને વિજય અપાવ્યો છે. ત્યારે મને વિજય અપાવ્યો છે. ત્યારે આગામી સમયમાં તેમના તમામ પ્રશ્નોને પુરા કરવા માટે પ્રયત્નશીલ રહીશ. કોંગ્રેસના ઉમેદવાર મિથિલ પટેલે કહ્યું કે, મતદારો દ્વારા જે જન આદેશ આપવામાં આવ્યો છે. તેનો સ્વીકાર કરું છું. આગામી સમયમાં પણ તમામ મતદારો સાથે જોડાયેલો રહે છે અને તેમની સમસ્યાઓને વાચા આપવાની પ્રયત્ન કરતો રહીશ.