આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ કહ્યું કે, જ્યારે કોઈ એક વર્ગ, પાર્ટી અને વિદ્યાર્થી સંગઠન પોલિટિકલ મોટિવેટેડ વિરોધ કરી રહ્યાં છે ત્યારે સમાજનો બહુ મોટો વર્ગ માને છે કે CAA યોગ્ય છે. જેમાં કોઈની નાગરિકતા જતી નથી પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી જેને પ્રતાડીત કરાયા છે તેવા હિન્દુ, શીખ, બોધ, જૈન જેવા લઘૂમતીઓને આશ્રય આપવા માટે આ કાયદો છે. છાવણી ખાતે તમામ લોકો દ્વારા CAAને સમર્થન આપવામાં આવ્યું હતું. ઋષિવંશી સમાજના હેમરાજ પાડલીયા, મધુર ડેરીના કર્મચારીઓ, ગાંધીનગર કોર્ટના વકીલ એસોસિએશન સાહિતની સંસ્થાના આગેવાનો સત્યાગ્રહ છાવણીથી શરૂ કરવામાં આવેલી રેલીમાં જોડાયા હતા. તમામ લોકોએ એક સૂર વ્યક્ત કર્યો હતો કે, CAA દેશમાં રહેતા મુસ્લિમોએ કે હિન્દુને લાગુ પડતો નથી, તેમણે આ કાયદાથી ડરવાની જરૂર નથી.
દેશવિરોધી તત્વોના પેટમાં તેલ રેડાયું છે. CAA બાબતે કોંગ્રેસ દુષ્પ્રચાર અને જુઠાણાં ફેલાવીને સમગ્ર દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ દેશની જનતા આવા તત્વોને સુપેરે ઓળખી ચૂકી છે. દેશના જનમાનસમાં એક વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે દેશની આઝાદીથી લઈને 70 વર્ષો સુધી દેશની દુર્દશા માટે માત્રને માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે. દેશમાં રહેલા ભાગલાવાદી અને સત્તાલાલચું લોકોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. ઋત્વિજ પટેલે કહ્યું કે, આ કાયદામાં કોઈની નાગરિકતા છીનવવાની વાત નથી. વિરોધ પક્ષો દ્વારા માત્ર ને માત્ર ભ્રમણા ફેલાવી સામાજિક વાતાવરણ દૂષિત કરવાની કુચેષ્ટા કરી રહ્યાં છે. તેઓએ ઉપસ્થિત જંગી જન મેદનીને રાષ્ટ્ર હિતમાં હંમેશા સમર્પિત રહેવા આહ્વાન કર્યું હતું.