ગાંધીનગરઃ પાટણ નગરપાલિકાના હાસાપુર પાસે પંપીંગ સ્ટેશન બનાવવામાં આવી છે, પરંતુ તેને સમય વિતવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ બાબતે પાટણના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં આખરે ગાંધીનગર શહેરના કર્મયોગી ભવનમાં આવેલી GUDCની કચેરીમાં 3 ધારાસભ્યો ધારણા ઉપર બેઠા હતા. આ અંગે કિરીટ પટેલે કહ્યું કે, બિલ્ડરને બચાવવા માટે ગટર લાઈનનું જોડાણ આપવામાં આવતા નથી. જેને લઇને ધરણા કરવાનો સમય આવ્યો છે. જ્યાં સુધી મારી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે.
એક તરફ સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ૩ ધારાસભ્ય લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાની વાતને લઈને મહિલાઓ આંદોલન કરી રહી છે, ત્યાં 72 કલાકના ઉપવાસ કરી રહ્યા છે. તો બીજી તરફ કર્મયોગી ભવનમાં આવેલી ગુજરાત શહેરી વિકાસ મિશનની કચેરીમાં 3 ધારાસભ્ય પાટણ નગરપાલિકાના પંપીંગ સ્ટેશનની સમસ્યા લઈને ધારણા ઉપર બેઠા છે. લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં હવે કોંગ્રેસના આગેવાનો સત્યાગ્રહ છાવણીની જગ્યાએ જેવી ભાગનો પ્રશ્ન હોય તે વિભાગની કચેરીમાં જ ધારણા કરી રહ્યા છે. અધિકારીઓને જ સીધી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ તેમની વાત નહીં સ્વીકારતા આખરે તેમની કચેરી સામે જ ધરના કરવાનો ટ્રેન્ડ અપનાવ્યો છે.
કર્મયોગી ભવનમાં આવેલી ગુજરાત શહેરી વિકાસ મિશનની કચેરીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, ટંકારા ધારાસભ્ય લલિત કગથરા, કિરીટ પટેલના સમર્થનમાં ધરણા પર બેઠા હતા. કિરીટ પટેલે કહ્યું કે, પાટણ નગરપાલિકાના હાસાપુર પંપીંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સ્ટેશનને હજુ શરૂ કરવામાં આવ્યું નથી. આ વિસ્તારના 40 હજારથી વધુ લોકોને ગટર લાઈનનું જોડાણ નહીં આપવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કનેક્શન નહીં આપવાના કારણે સોસ કુવા બનાવવાની પણ ફરજ પડી રહી છે. માત્રને માત્ર પંપીંગ સ્ટેશનની બાજુમાં આવેલી બિલ્ડરની જમીનને બચાવવા માટે ભાજપના આગેવાનો અને અધિકારીઓ પંપીંગ સ્ટેશનમાં ગટર લાઈનનું જોડાણ આપતા નથી. તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમારી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી GUDCની કચેરીમાં જ અમે ધારણા ચાલુ રાખીશું.