ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં બીપોરજોય નામનું વાવાઝોડું 15 જૂનના રોજ ટકરાયું હતું અને તબાહી મચાવી હતી. ભારે પવનના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો ત્યારે રાજ્ય સરકારના ઊંચા વિભાગ દ્વારા તમામ જગ્યાએ વીજ પુરવઠો ફરીથી શરૂ કરવાના પ્રયત્નો કર્યા હતા. વાવાઝોડાને પૂર્ણ થયા તેના સાત દિવસ થયા છતાં પણ 28 ગામમાં હજુ પણ અંધારપટની પરિસ્થિતિ હોવાનું સામે આવ્યું છે. રાજ્યના ઉર્જા પ્રધાન કોનું દેસાઈ પણ કચ્છની મુલાકાત અધિકારીઓ સાથે બેઠક કરીને તાત્કાલિક ધોરણે વીજળી પરત લાવે તેવી સમીક્ષા બેઠક પર કરી હતી.
28 ગામમાં અંધારપટ: રાજ્ય સરકારના ઉર્જા વિભાગે જણાવ્યું હતું કે પીજીવીસીએલના સહુથી વધુ અસરગ્રસ્ત 8 જિલ્લાના તેમજ યુજીવીસીએલના બે જિલ્લાના 35 ટાઉન અને 4945 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. આ પૈકી તમામ 35 ટાઉનમાં તેમજ 4917 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. બાકી રહેલા 28 ગામોમાં વીજપુરવઠો પાડતી વીજ વિતરણ લાઈનોની આજુબાજુ ખૂબ પાણી ભરાવાના કારણે કામગીરી શરૂ થઈ શકી નથી, પરંતુ પાણી ઓસરતા વીજળીનો સપ્લાય પૂર્વવત કરાશે. ગેટકો અને તમામ ડિસ્કોમની 6000થી વધુ માણસો સાથેની કુલ 1089 ટીમો દ્વારા આ જિલ્લાઓમાં પુનઃસ્થાપન કાર્ય માટે તમામ સંસાધનો સાથે દિવસ-રાત કામગીરી કરવામાં આવી હતી.
કૃષિ વીજ પણ 30 જૂન સુધી શરૂ થશે: પીજીવીસીએલના 8 જિલ્લાઓમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લા સિવાયના જિલ્લાઓના ૯૦ ટકા અસરગ્રસ્ત ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરાયો છે. બાકીના બધા જિલ્લાઓના ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો તા. 30 જૂન, 2023 સુધીમાં ચાલુ કરાશે તેમજ પાણી ઓસરી ગયા હોય તેવા ગામોમાં વહેલી તકે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
ઉર્જા વિભાગને કરોડોનું નુકશાન: બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના 10 થી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. ઊર્જા વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ બિપરજોય વાવાઝોડુ 140 કિમી પ્રતિ કલાકની મહત્તમ નોંધાયેલ સ્પીડ સાથે લેન્ડફોલ થવાથી ભારે પવન તથા વરસાદને લીધે સૌરાષ્ટ્ર-કચ્છના પીજીવીસીએલ હેઠળના અસરગ્રસ્ત ૮ જિલ્લાના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્ત 2 જિલ્લાઓ પાટણ તથા બનાસકાંઠાના વિસ્તારોના વીજ માળખાનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ક્ષતિગ્રસ્ત થયું હતું.
કરોડોનું નુકસાન: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનના વીજ માળખાના વીજ ટાવર, વીજ થાંભલાઓ, વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર્સ અને વીજ જોડાણના સર્વિસ કેબલ વગેરેને ક્ષતિ પહોંચવાથી વીજ કંપનીઓને અંદાજે રૂ.1013 કરોડથી વધુનું નુકશાન થયું છે. વાવાઝોડાને કારણે ગેટકોના 400 કેવી, 220 કેવી તથા 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, જે તમામ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ 66 કેવીના 243 સબસ્ટેશનોનો વીજપુરવઠો બંધ થયો હતો, જે પૈકી 240 સબસ્ટેશનોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો છે.
ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકશાન: 3 સબસ્ટેશનમાં (કરછ-2, દ્વારકા-1) અન્ય ફીડરો અને લીંક લાઈનથી હાલ વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે 66 કેવી તથા 132 કેવીની ભારે દબાણના 40 એચ-ફ્રેમ (ડી.પી) ટાવર અને 76 ટ્રાન્સમિશન ટાવરને નુકસાન થયું હતું. તેમજ 1,17,000થી વધુ વીજ થાંભલા અને 16,000 થી વધુ ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકશાન થયું હતું.