કોટેશ્વર પટેલવાસમાં રહેતા ઉમેશભાઈ હરગોવનભાઈ પટેલની પાડોશમાં રહેતાં કાંતિભાઈ પટેલે શુક્રવારે બપોરે ચાર શખ્સો સામે જમીન મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રાત્રે 8 કલાકે ઉમેશભાઈ પર નભોઈ ગામના ઉપ સરપંચ જશુજી ઠાકોરે ફોન કરીને કહ્યું હતું કે, તમારા પાડોશી કાંતીભાઈ પટેલની જમીનના દસ્તાવેજ કરાવવા તેમજ જરૂરી ચર્ચા માટે જમીન દલાલ આવે છે. જેને પગલે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ઉમેશભાઈ ગામના બીજા બે લોકો સાથે ગયા ત્યાં બે શખ્સો આવ્યા હતાં. જેઓ સાથે જમીન બાબતે ચર્ચા ચાલ રહી હતી, ત્યારે બકાભાઈ રબારી નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. કે ‘તું અમારા ઉપર ખોટી-ખોટી ફરીયાદ કરાવે છે’ કહીં તેણે ઝઘડો શરૂ કર્યો હતો.
ત્યારબાદ તેઓએ બુમ પાડતા બીજી કારમાંથી પાંચ જેટલા શખ્સો હાથમાં લાકડીઓ લઈને આવ્યા અને ઉમેશભાઈ પર તૂટી પડ્યા હતાં, ત્યારે સાથે આવેલા ખેડૂતોએ ઉમેશભાઈને છોડાવ્યા હતાં. હુમલાખોરોએ જતા-જતા ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખેડૂતોએ ઉમેશભાઈને ખાનગી દવાખાનમાં સારવાર માટે ખસેડાતા તેમને જમણા પગે તથા હાથે ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે ઉમેશભાઈએ બકા રબારી તથા છ અજાણ્યા શખ્સો મળી કુલ સાત સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી.