ગાંધીનગરઃ કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડમી ખાતે 'ઓલ ઈન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-2023' યોજાવાની છે. આ કોમ્પિટિશન 4થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ કોમ્પિટિશનની 24મી આવૃત્તિનો વિધિવત શુભારંભ કરાવશે. આ કોમ્પિટિશનમાં દેશના અલગ અલગ રાજ્યોના પોલીસ વિભાગની 15 ઉપરાંત પેરા મિલિટરીની 5 બેન્ડ ટીમો અંતર્ગત કુલ 1200થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. સમગ્ર પોલીસ વિભાગમાં આ કોમ્પિટિશન બહુ મહત્વની માનવામાં આવે છે. આ કોમ્પિટિશન 1999માં પ્રથમવાર યોજાઈ હતી ત્યારથી લઈને આ 24મી વખત આયોજિત થઈ છે.
3 કેટેગરીઃ આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યૂગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો ભાગ લેશે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની ૧૭ ટીમ અને મહિલાની ૦૧ ટીમ, પાઈપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની ૧૩ ટીમ અને મહિલાઓની ૦૬ ટીમ તથા બ્યૂગલ કેટેગરીમાં પુરુષોની ૧૯ ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થશે.
1999થી શરુઆતઃ કોમ્પિટિશનને અંતે ત્રણેય કેટેગરીમાં ત્રણ ટીમને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમ આપવામાં આવશે. જેમાં વિજેતા ટીમના સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ સ્પર્ધકોને પ્રમાણ પત્ર એનાયત પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 'ઓલ ઈન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-2023'ની શરુઆત 1999માં થઈ હતી. આ કોમ્પિટિશન ઓલ ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. 1999થી અલગ અલગ રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.