ગાંધીનગર: કોરોનાના રોગગ્રસ્તોની સારવાર-સુશ્રષામાં રોકાયેલા તબીબો, મેડીકલ સ્ટાફને પર્સનલ પ્રોડકશન ઇકવીપમેન્ટ કિટનો અવશ્ય ઉપયોગ કરવો પડે છે. આવા ઇકવીપમેન્ટ કિટની વિશ્વભરમાં ખૂબ માંગ છે, ત્યારે ગુજરાતમાં તેની પૂરતી ઉપલબ્ધિ થાય એટલું જ નહિ, ગુજરાતમાં ઉત્પાદિત આ કિટ કોરોના રોગગ્રસ્તોની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબીબો-મેડીકલ સ્ટાફને પણ મળી રહે તે માટે અરવિંદ મિલ્સ લીમીટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા દ્વારા તેનું ઉત્પાદન થઇ રહ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક થતું અટકાવવા અને આ સંભવિત રોગ સંક્રમિતોની તપાસ સારવાર કરતા તબીબોને સેલ્ફ સેફટી માટે N-95 માસ્કની જરૂરત રહે છે.
N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સેલ્યુઝ પ્રોડકટસ ચાંગોદર દૈનિક 25 હજાર માસ્કનું ઉત્પાદન કરે છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં ડેડીકેટેડ કોરોના-કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ છે. હવે રાજ્યના 29 જિલ્લા મથકોએ 100 બેડની આવી કોવિડ હોસ્પિટલ તાત્કાલીક ધોરણે ટૂંક જ સમયમાં આગામી દિવસમાં શરૂ થાય તેની સંપૂર્ણ દેખરેખ અને વ્યવસ્થાઓ માટે ત્રણ વરિષ્ઠ સચિવોની કમિટીને જવાબદારી સોંપી છે.