ગાંધીનગરઃ વિશ્વમાં જગત જમાદાર ગણાતું અમેરિકા કોરોના વાઈરસના ભરડામાં આવી ગયું છે, ત્યારે માણસાના ધારાસભ્યના મોટાભાઇ એક મહિના પહેલા જ અમેરિકામાં તેમના નાનભાઇના પત્નિના ખબર અંતર જાણવા ગયા હતા, તે સમયે કોરોના વાઈરસે તેમને ઝપેટમાં લઈ લેતા અમેરિકાના ન્યૂજર્સીમાં તેમનું મૃત્યું થયું હતું.
![અમેરિકા ગયેલા માણસા તાલુકાના ધારાસભ્યના મોટાભાઈનું કોરોનાથી થયું મૃત્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-00-mansamlabrotherdeth-vis-7205128_08042020180032_0804f_1586349032_437.jpg)
ગાંધીનગરના માણસા તાલુકાના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલો છે. જ્યાં તેમના 300 સભ્યોનો પરિવાર બિઝનેસ સાથે સંકળાયેલો છે. તેથી તેમની આવન-જાવન અમેરિકા અને વતનમાં રહેતી હોય છે.
જેના પગલે સુરેશભાઈ પટેલના કાકાના દીકરા અરવિંદભાઈ પટેલ એક મહિના પહેલા કલોલ પાસે આવેલા વતન પલિયડથી અમેરિકા ગયા હતા. અરવિંદભાઈ તેમનાથી નાના ભાઇના પત્નીને કેન્સરની બીમારી હોવાથી, તેમની સ્થિતિ જાણવા માટે ગયા હતા. ત્યારબાદ તેમની પુત્રીને ત્યાં થોડો સમય રોકાયા હતા. થોડો સમય વિતાવતા તેમણે ખાંસી અને શરદીની સમસ્યા ઉદ્ભવી હતી. તેથી સ્થાનિક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. જેમાં તેમણે કોરોના પોઝિટિવ આવતા સારવાર ચાલી રહી હતી. તેવા સમયે બુધવારે અરવિંદભાઈએ અમેરિકાના ન્યૂજર્સીમા અંતિમ શ્વાસ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હજાર લોકોના કોરોના વાઈરસના કારણે મોત થયા છે, ત્યારે માણસાના ધારાસભ્યના મોટાભાઈ અરવિંદભાઈનું પણ અવસાન થતા માણસા તાલુકા અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં શોક ફેલાઈ ગયો હતો.