- ગાંધીનગર બિલ્ડર એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- કુત્રિમ ભાવ વધારાના વિરોધમાં અપાયું આવેદનપત્ર
- રાજ્ય સરકાર ભાવ વધારા સામે કોઈ રેગ્યુલેટરી બનાવે તેવી કરાઈ માંગ
ગાંધીનગર : રાજ્યમાં આજે તમામ બિલ્ડરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કૃત્રિમ રીતે સિમેન્ટ અને લોખંડના ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેના વિરોધમાં આજે ક્રેડાઇ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાંધકામથી દૂર રહીને બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. આજે ગાંધીનગરના બિલ્ડર એસોસિએશન દ્વારા ગાંધીનગર કલેકટરને ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભાવ વધારો ખોટો, ફક્ત કૃત્રિમ અછત સર્જાઈ છે
આ બાબતે ગાંધીનગર બિલ્ડર એસોસિએશનના આગેવાન એવા જસુ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે પેલી કોમની રેગ્યુલેટરી માટે ટ્રાય શેર બજાર માટે CEBBY જેવી સંસ્થાઓ સરકારે કાર્યરત છે. ત્યારે બિલ્ડિંગ બનાવવા માટે ઉપયોગી એવા સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ તથા અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સના ભાવમાં પણ આવી એક સંસ્થાનું રાજ્ય સરકાર નિર્માણ કરે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે વર્તમાન સમયમાં જેમ સિમેન્ટ, સ્ટીલ અને લોખંડના ભાવ વધારો કરવામાં આવ્યો છે તે કુત્રિમ રીતે ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પટેલે કર્યા હતા.
જે રીતે સિમેન્ટ અને લોખંડના ભાવ વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને આગામી સમયમાં મકાનના ભાવમાં પણ વધારો થઇ શકે છે. આમ સિમેન્ટ અને લોખંડમાં ભાવ વધારો થવાથી અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં 20થી 30 ટકા ભાવમાં વધારો કરવામાં આવશે. જેથી સામાન્ય વર્ગના વ્યક્તિઓને મકાન લેવું વધુ મોંઘુ અને ભારે પડશે તેવી પરિસ્થિતિ પણ સર્જાશે.