અમદાવાદ: ઇન્ડિયન મેડિકલ એસોશિયએન દ્વારા રાજ્યના 90 વધુ ગામોમાં આવો ગાવ ચલે અભિયાનની શરૂઆત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઘારાસભ્ય રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન જસવંત પટેલ, સરઢવ ગામના સરપંચ કિરીટ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
'આઓ ગાવ ચલે' અભિયાનનો પ્રારંભ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે ગરીબ, વંચિત, પીડિત, નાનામાં નાના અને ગ્રામીણ લોકો સુધી અદ્યતન આરોગ્ય સેવાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષમાં વ્યાપકપણે વિસ્તરી છે. તેમના માર્ગદર્શનમાં રાજ્યમાં મેડિકલ એજ્યુકેશનનો પણ જે વ્યાપ વધ્યો છે અને વધુ મેડિકલ કોલેજીસ શરૂ થતાં હવે દર વર્ષે રાજ્યમાં અંદાજે સાત હજાર જેટલા ડૉક્ટર્સ ઉપલબ્ધ થાય છે. એટલું જ નહીં, ગ્રામ્ય સ્તરે પણ હવે મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સની સુવિધાઓ મળતી થઈ છે અને તેના પરિણામે ગ્રામીણ કક્ષાએ અદ્યતન ઈલાજ સારવાર પણ ઉપલબ્ધ બની રહેશે.
'વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય રક્ષા યોજના ‘આયુષ્યમાન ભારત’નું આરોગ્ય કવચ કરોડો જરૂરતમંદ લોકોને મળતું થયું છે. આ સેવાના મૂળમાં સુશાસન અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની ભાવના છે.' -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
પાંચ-પાંચ કરોડ રૂપિયા પણ ફાળવ્યા: મુખ્યપ્રધાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ગ્રામીણ નાગરિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટ દ્વારા સરકાર સાથે સહયોગ કર્યો છે. દેશના ગૃહ અને સહકારપ્રધાન તથા ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ અમિત શાહે પણ સરઢવ અને રાંધેજાને આરોગ્ય સહિતની સેવાના કામો માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા પણ ફાળવેલા છે.
કન્યા કેળવણીની ચિંતા: રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા ત્યારે તેમણે ગામડાના સર્વાંગી વિકાસ માટે શહેર સમોવડી સુવિધા ગામડામાં ઊભી કરીને ગ્રામજનોના આરોગ્યની ચિંતા, શિક્ષણની ચિંતા તેમજ કન્યા કેળવણીની ચિંતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસ માટે માળખાકીય સુવિધાનું નિર્માણ કરવું જરૂરી છે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.