ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે 26મી વેસ્ટ ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાન ઉપસ્થિત છે. ત્રણ રાજ્યો વચ્ચે મળનારી આ બેઠકમાં વહીવટી તથા અન્ય મહત્વના પ્રોજ્કેટનુ સંકલન થશે. આ કાઉન્સિલની છેલ્લી બેઠક 11 જૂન, 2022ના રોજ દીવમાં મળી હતી. આ વખતે આ બેઠકનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે.
વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક: પશ્ચિમ ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના આંતર રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકમાં દરેક રાજ્યના બે વરિષ્ઠ મંત્રીઓ સહિત સભ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક હાજર રહેશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, સલાહકારો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવ આંતર રાજ્ય પરિષદ અને કેન્દ્ર સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા.
પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના: રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956ની કલમ 15-22 હેઠળ વર્ષ 1957માં પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી આ પાંચ ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ છે, જ્યારે સંબંધિત ઝોનલ કાઉન્સિલમાં સમાવિષ્ટ રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને પ્રશાસક /કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર તેના સભ્યો છે. દરેક રાજ્યમાંથી વધુ બે મંત્રીઓને રાજ્યપાલ દ્વારા કાઉન્સિલના સભ્યો તરીકે નામાંકિત કરવામાં આવે છે. દરેક ઝોનલ કાઉન્સિલે મુખ્ય સચિવોના સ્તરે એક સ્થાયી સમિતિની પણ રચના કરી છે.
અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે અને ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતી કરશે. આ બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.