ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે બિપરજોય નામનું વાવાઝોડું 15 જૂનના રોજ ટકરાવાનું છે. ત્યારે 14 જૂનથી ગુજરાતના દરિયાકાંઠાના 6 જિલ્લા જેવા કે પોરબંદર દ્વારકા કચ્છ રાજકોટ અને ગીર સોમનાથ માટેની અસર જોવા મળશે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા. ડિઝાસ્ટર સેન્ટર ખાતે આવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફરીથી સમીક્ષા કર્યા બાદ અચાનક જ અજાણી વ્યક્તિ બનીને રાજકોટ કલેકટરને ફોન કરીને પરિસ્થિતિનો ત્યાગ અને સુરક્ષા બાબતની ચર્ચા કરી હતી.
150 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ટકરાશે: હવામાન વિભાગના મહાનિર્દેશકે ગૃહ પ્રધાનને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વાવાઝોડું 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધશે, પછી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર નજીક માંડવી પહોંચે અને કરાચી પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.
ઝીરો કેઝ્યુઆલીટીનું લક્ષ્ય: વીડિઓ કોન્ફરન્સથી સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન બિપરજોય દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ‘ઝિરો કેઝ્યુઆલીટી’ એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.
ગીરના જંગલોમાં પશુ પક્ષીઓ બાબતે ચર્ચા: અમિત શાહે વધુમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની સૂચના મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ.
CM ભૂપેન્દ્ર પટેલે તૈયારીઓની વિગતો આપી: સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો. ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ રપ તાલુકા છે જેમાં 0 થી 5 કી.મી માં 260 ગામોનો સમાવેશ થાય છે. જેની કુલ જન સંખ્યા 14,60,300 છે. 5 થી 10 કિ.મી. વિસ્તારમાં 182 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે 4.50 લાખ છે.
30,000 લોકોને સુરક્ષિત રેસ્કયુ: ઉપરાંત સીએમએ જણાવ્યું કે વાવાઝોડાથી અસરગ્રસ્ત 434 નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ 25 તાલુકાઓમાં 1521 આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8 જિલ્લાઓમાં 450 હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં મીઠું પકવતા 868 અગરિયાઓ તેમજ 6080 કામદારોની ઓળખ કરવામાં આવી છે. 284 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. 5330 અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા 15,068 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 30,000 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે.
NDRF, એરફોર્સ સજ્જ: પ્રભાવિત 8 જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી 4050 હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ21,595 બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે 27 જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ 24 મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું હોવાની વિગત સીએમ ભુપેન્દ્ર પટેલે આપી હતી.
કોણ જોડાયું હતું વીડિયો કોન્ફરન્સમાં: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ચક્રવાત "બિપરજોય" સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયપ્રધાનો મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, ગુજરાત સરકારના પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો, સચિવો અને જિલ્લા મેજીસ્ટ્રેટ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિર્દેશક, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના સભ્ય સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.