ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતાં. ત્યારે અમિત શાહે ગાંધીનગરમાં પોતાની લોકસભા વિસ્તારમાં આવેલ કેસરિયા ગરબામાં રાત્રિના 11 કલાકે હાજરી આપી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા અને ત્યારબાદ મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વચ્ચે આખી રાત બેઠક થઈ હોવાની વાતો વહેતી થઈ છે. મળતી માહિતી અનુસાર આ બેઠક હર્ષ સંઘવીના નિવાસસ્થાને થઇ હતી. આ બેઠકમાં સી. આર. પાટીલ હાજર હતાં કે નહીં તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જ્યારે બેઠક બાબતે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ હર્ષ સંઘવી કાર્યાલયમાં હાજર ન હતાં.
13 ઓક્ટોબરના રોજ મળી હતી બેઠક : 15 ઓક્ટોબરના મોડી રાત દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ હતી. તે પહેલાં 13 ઓક્ટોબરના દિવસે અચાનક જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને દિલ્હી બોલાવીને મોડી સાંજ સુધી બેઠક કરવામાં આવી હતી. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારમાં હાલમાં સીએમ સહિત ફક્ત 17 જ પ્રધાનો છે ત્યારે પ્રધાનમંડળના વધારો કરવાનો નિર્ણય કરવામાં આવી શકે છે એટલે હજુ 3 થી 5 જેટલા નવા પ્રધાનોનો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વધારો થઈ શકે છે.
સંગઠનમાં ફેરફારની શકયતાઓ : લોકસભા 2024 ચૂંટણી પહેલા જ જુલાઈ 2023માં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની સમય મર્યાદા પૂર્ણ થઈ છે પણ જે રીતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પાટીલે ભાજપને 156 બેઠક અપાવીને ઐતિહાસિક જીત અપાવી છે ત્યારે કેન્દ્રીય ભાજપ દ્વારા પાટીલને હજુ એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે અને 2024 સુધી સી.આર.પાટીલ જ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત રહેશે. ત્યારે નિયમ મુજબ સંગઠનમાં ફેરફાર થવાની શક્યતાઓ સંપૂર્ણ રહી છે, આમ લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર થઇ શકે છે. ગુજરાત સરકારના બોર્ડ નિગમ બાબતે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 જેવી બેઠકો પ્રાપ્ત થઈ છે. સ્થાનિક સ્વરાજથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપ છે. એટલે બોર્ડ નિગમ કે વિસ્તરણનો મામલો નથી પણ લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે આવી ચર્ચાઓ ચાલે તે સ્વાભાવિક છે. પણ લોકસભાની ચૂંટણીમાં મૂરતિયાઓ નક્કી કરવા બાબતે અને સંગઠનમાં ચાલી રહેલા ભાંજગઢને ઠીક કરવા બાબતે આ બેઠકોનો દોર હોય તેવું વધુ લાગી રહ્યું છે....જયવંત પંડ્યા ( રાજકીય વિશ્લેષક )
પાટીલે જવાબ નથી આપ્યો : જ્યારે આ સમગ્ર બાબતે ઈટીવીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોન કરીને બેઠક બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ પાટીલે ફોન ઉપાડ્યો ન હતો અને ફક્ત વોઇસમેલ આપવાનો રેકોર્ડડ મેસેજ આવ્યો હતો.
બોર્ડ નિગમમાં અનેક સમયથી જગ્યાઓ ખાલી : ભાજપ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બોર્ડ નિગમના તમામ ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેકટર તરીકે 45થી વધુ લોકોના રાજીનામાં લેવાયા હતાં. ત્યારબાદ જે આગેવાનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ પ્રાપ્ત કરી શક્યા ન હતાં તેવા તમામ નારાજ સભ્યો આગેવાનોને સાચવવા માટે સરકાર દ્વારા ટૂંકસમયમાં 70 જેટલા બોર્ડ નિગમમાં નિમણુંક આપવા બાબતે બેઠકમાં ચર્ચા હોવાની વાતો સામે આવી છે.
અંદરખાને તૈયારીઓ : રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ અને નિગમો ભરવાની અંદરખાને તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે બોર્ડ નિગમમાં નિમણૂકના ધારાધોરણની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપ પક્ષ દ્વારા જે જિલ્લાને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી તેવા જિલ્લામાંથી જ્ઞાતિ પ્રમાણે અને બોર્ડ પ્રમાણે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં 33 જિલ્લામાંથી ફક્ત 12 થી 13 જિલ્લાને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે. ત્યારે બાકી રહેલા જિલ્લાઓના પ્રતિનિધિઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે. આમ લોકસભાની ચૂંટણી પહેલા બોર્ડ નિગમમાં નિમણૂક થાય તેવી શક્યતાઓ છે.
કયા બોર્ડ નિગમો ખાલી : જે નિગમ અને બોર્ડમાં નિમણૂકો કરવાની છે તેમાં શામેલ સંસ્થાઓ પર નજર કરીએ તો તેમાં ગુજરાત વાકેફ બોર્ડ, મેરી ટાઈમ બોર્ડ, મહિલા આયોગ, બાલ મહિલા આયોગ, ગોપાલક મંડળ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડ,ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ,રાજ્ય પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન, ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કૃષિ બજાર બોર્ડ,રાજ્ય આયોજન પંચ,પોલીસ આવાસ નિગમ, બિન અનામત વર્ગ આયોગ, રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન,સિવિલ સપ્લાય આયોગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને જીપીએસસી બોર્ડનો સમાવેશ થાય છે.