ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. શનિવારે મોડી રાતથી જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રવિવારે એક પછી એક રાજીનામા પડવાના સમાચારો આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપનો પ્લાન કોઈપણ રીતે સફળ નહીં થાય.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીનું ચીરહરણ કરનારી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા માટે આ રીતે નામો ઊછાળી રહી છે આ કામ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકશાહીમાં નહીં માનનારી ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા કોંગ્રેસના ધારાસભ્યોના નામ ઉછળવામાં આવે છે. ગઈકાલથી અલગ અલગ ધારાસભ્યોના નામ ઉછાળવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા રાજીનામા બાબતે કોઈ જ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી કે, ધારાસભ્યોના રાજીનામાં વાત સાબિત કરવામાં આવી નથી.
અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ આ પ્રકારની વાતો માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કરી રહી છે. લોકશાહીમાં માનનારો દેશ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ જેટલા અંક હોય તે પ્રમાણે ચૂંટણી થાય અને સર્વ લોકોનું સન્માન થાય તેવી પરંપરા રહેલી છે. સત્તાના જોરે ભાજપના નેતાઓ સામ દામ દંડની નીતિથી રાજકીય લાભ લેવા પ્રયત્ન કરે છે. પરંતું ભાજપના મનસૂબા કામિયાબ નહીં થાય. આવતીકાલે ધારાસભ્યો વિધાનસભાના ફ્લોર પર આવીને હાજરી આપશે. ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોણે રાજીનામાં આપ્યા ક્યારે આપ્યા પત્રથી આપ્યા કે રૂબરૂ આપ્યા તે સ્પીકર કહેશે ત્યારે સ્પષ્ટતા થશે, ત્યાં સુધી માત્ર અફવાઓ છે.