ગાંધીનગર : અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રસાદીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોહિની કેટરર્સ દ્વારા અંબાજી મંદિરમાં બનાવતા પ્રસાદમાં ભેળસેળવાળા ઘીનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 8 લાખની કિંમતનો 2820 કિલો ભેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવતી એજન્સી મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અંબાજીમાં અક્ષયપાત્ર એજન્સી દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવશે.
મોહિની કેટરર્સ બ્લેકલિસ્ટ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા મળેલી બેઠકમાં અંબાજી પ્રસાદ બાબતે પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અંબાજીમાં પ્રસાદ તૈયાર કરતી મોહિની કેટરર્સ નામની એજન્સીને નકલી ઘી ઉપયોગ કરવા બાબતે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. તેમનો કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હવે 1 નવેમ્બરથી અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવાની કામગીરી અક્ષયપાત્ર એજન્સી દ્વારા કરવામાં આવશે.
ભેળસેળયુક્ત ઘી ક્યાંથી આવ્યું ? અંબાજીમાં પ્રસાદ બનાવવા માટે ઉપયોગ થતા ઘીના નમૂના ફેલ થયા બાબતની માહિતીની વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિરના પ્રસાદનો મામલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદવામાં આવ્યો હતો. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અંબાજીમાં મોકલાયેલ ઘીની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત નીલકંઠ ટ્રેડર્સમાં દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 180 જેટલા ઘીના ડબ્બા પણ સીઝ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મનપા સફાળું જાગ્યું : અંબાજીમાં ઘીના સેમ્પલ ફેલ થવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કાલુપુર અને માધુપુરના માર્કેટમાં દરોડા પાડીને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટેની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આમ અંબાજીની ઘટનાની અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી અને અમદાવાદના ઘીના વેપારીઓ ઉપર પણ જોવા મળી હતી.