ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પોતાની અને પોતાના સમાજની અવગણના થતી હોવાનું ગાણું ગાઈ તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેમજ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના સામાજિક સંગઠનમાં ફરીથી સક્રિય થશે.
![hd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3372585_hd.jpg)
આ અગાઉ તે કોંગ્રેસમાંથી રાધનપુર વિધાનસભા ચૂંટણી લડ્યો હતો અને અહીંથી ધારાસભ્ય પદે ચૂંટાયો હતો. દરમિયાન તેમને પક્ષે બિહારમાં પ્રભારી તરીકેની જવાબદારી પણ આપી હતી. કોંગ્રેસ દ્વારા અલ્પેશને કદ કરતા વધારે મોટી જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કોંગ્રેસનો હાથ છોડતાની સાથે તેને પક્ષમાંથી અને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરાવવા માટે પક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેની કાર્યવાહી હાલ ચાલુ છે.
આ બધી ઘટનાઓ વચ્ચે અલ્પેશ હવે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. મળતી વિગતો અનુસાર અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો તેમ થાય તો હાલમાં જ આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોના કારણે ગુજરાતમાં ચાર ધારાસભ્યો સાંસદ બની જતા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે તે નિશ્ચિત છે. તેની સાથે જ રાધનપુરમાં પણ ચૂંટણી યોજાય અને અલ્પેશ ઠાકોર ભાજપમાંથી રાધનપુર વિધાનસભા પર ચૂંટણી લડી ફરીથી વિધાનસભામાં પહોંચે તેવી માહિતી સૂત્રો પાસે મળી રહી છે. ત્યારે જો આમ થાય તો કોંગ્રેસને પડ્યા ઉપર પાટું સમાન ઘટના બનશે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો પહોંચાડવા માટે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.