ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સારા રહે અને લોકોના આરોગ્ય વધુ સારા બને તે માટે રાજ્ય સરકાર અનેક પ્રોજેક્ટ અને કામગીરી હાથ ધરી રહી છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ બીમાર કે ઈજાગ્રસ્ત લોકોની સેવા માટે હંમેશા 108 એમ્બુલન્સ સેવા તત્પર રહેતી હોય છે. આ સાથે જ હવે રાજ્યમાં એર એમ્બુલન્સ સેવા ઉપયોગમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો ગુજરાતમાં પ્રથમ રાજકોટના દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યો
એર એમ્બુલન્સનો ઉપયોગ વધ્યોઃ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સની સેવા માટે પણ કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં જ કેન્દ્ર સરકારે તત્કાલિક ધોરણે એર એમ્બ્યુલન્સ માટેની મંજૂરી આપી હતી. તો અત્યાર સુધીમાં રાજ્યમાં 7 દર્દીઓએ એર એમ્બુલન્સનો ઉપયોગ કર્યો છે, જ્યારે 10 વખત એર એમ્બુલન્સનો ઉપયોગ ઓર્ગન ટ્રાન્સપોર્ટ માટે કરવામાં આવ્યો છે.
21માર્ચ 2021એ શરૂ થઈ એર એમ્બુલન્સ સેવાઃ 108 ઈમરજન્સી સેવાનો વ્યાપ વધારવા તેમ જ ઈમરજન્સીમાં નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે 21 માર્ચ 2022ના દિવસે એર એમ્બુલન્સ સેવાનો પ્રારંભ કર્યો હતો.
એર એમ્બુલન્સનું ભાડુંઃ 108ની સત્તાવાર માહિતી મુજબ, અત્યાર સુધીમાં કુલ 7 દર્દીઓને એર એમ્બુલન્સનો ઉપયોગ કર્યો છે. જ્યારે 10 વખત ઓર્ગન ટ્રાન્સફર માટે એર એમ્બુલન્સનો પયોગ કરવામાં આવ્યો છે. આ એમ્બુલન્સના ભાડાની વાત કરીએ તો, 108 દ્વારા સેવાઓની જરૂરિયાત માટે કૉલ આવે તો કલાકના 50,000 રૂપિયા, જો હોસ્પિટલમાંથી ફોન આવે તો 55,000 રૂપિયા તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા આ સેવાઓ માટે કૉલ કરવામાં આવશે તો 60,000 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
એર એમ્બુલન્સની સર્વિસ ડિટેલઃ અમદાવાદથી ચેન્નાઈ 1 દર્દી, ભાવનગરથી સુરત 1 દર્દી, ભોપાલથી અમદાવાદ 1 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, ભુજથી અમદાવાદ 1 દર્દી અને 2 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, દિલ્હીથી અમદાવાદ 1 દર્દી, જૂનાગઢથી અમદાવાદ 1 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, રાજકોટથી અમદાવાદ 1 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, રાજકોટથી ચેન્નઈ 1 દર્દી, રાજકોટથી મુંબઈ 1 દર્દી, સુરતથી અમદાવાદ 3 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, સુરતથી કોચી 1 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, વડોદરાથી અમદાવાદ 1 ઓર્ગન ટ્રાન્સપોર્ટ, વેરાવળથી અમદાવાદ 1 દર્દીની સારવાર કરવામાં આવી હતી.
કરોડો લોકોએ લીધી છે 108 સેવાનો લાભઃ ગુજરાતમાં 108ની સેવાનો પ્રારંભ તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો અને વર્ષ 2007માં 108ની સેવાનો પ્રારંભ થયો હતો. 15 વર્ષથી વધુ સમયથી આ 108 સેવા ગુજરાતમાં કાર્યરત્ છે, જેમાં 108 દ્વારા મે 2022 સુધીમાં લગભગ 1,35,00,000થી વધુ દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી છે. જ્યારે પ્રેગ્નનસી કેસમાં 45,90,000થી વધુ કેસ, રોડ અકસ્માતમાં 16,84,000થી વધુ કેસોમાં સારવાર આપવામાં આવી છે.
ગુજરાતમાં થાય છે એર એમ્બુલન્સનું ઉત્પાદનઃ રાજ્યના પૂર્વ ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભૂતકાળમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના એવિએશન વિભાગ દ્વારા એક મહત્વનો MoU કરવામાં આવ્યું હતું, જેમાં એરો ફ્રેયર ઇન્ક ખાનગી કંપની સાથે સરકારે MoU કર્યો હતો, જેથી ગુજરાતમાં આગામી દિવસોમાં જ અમરેલી જિલ્લામાં હેલિકોપ્ટર પ્લેન અને એર એમ્બુલન્સના ઉત્પાદન માટેનું આ MoU હતું. જ્યારે પહેલાં ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં જ સ્પેરપાર્ટ્સનું જ ઉત્પાદન થઈ રહ્યું હતું. ત્યારે હવે એ રેગ્યુલર હેલિકોપ્ટર અને પ્લેન જેવા સાધનોનું પણ ઉત્પાદન ગુજરાતમાં થવાનું શરૂ થયું છે. ત્યારે કંપની પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયાનું રોકાણ અને ત્યારબાદ કુલ 500 કરોડ રૂપિયાનો રોકાણ કરવાનું MoUમાં દર્શાવવામાં આવ્યું હોવાનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.