ગાંધીનગર : રાજ્યમાં વર્ષ 2009 થી સરકારી નોકરીમાં 5 વર્ષ ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી હતી. સરકારી વિભાગોમાં જેટલા પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેઓએ 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી કરવી પડે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પગાર નીતિ બાબતે વર્ષ 2012માં ચુકાદો આપ્યો હતો. પરંતુ ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ત્યારે સરકાર સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે તે માંગ સાથે ફિક્સ પગારમાં કામ કરતી મહિલાઓએ અનોખો વિરોધ કર્યો હતો. આજે CM ભુપેન્દ્ર પટેલ અને PM નરેન્દ્ર મોદીને પોસ્ટ મારફતે રાખડી મોકલીને ફિક્સ નીતિ રદ કરવાની વિનંતી કરી છે.
ફિક્સ પે હટાવો ઝુંબેશ : ફિક્સ પે હટાવો ઝુંબેશના આગેવાન ભારતેંડુ ગોરે 25 ઓગસ્ટના રોજ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 70 થી 80 હજાર જેટલા ફિક્સ કર્મચારીઓ છે. જ્યારે ફિક્સ કર્મચારીઓ દ્વારા દિવાળીના તહેવારો સુધી અલગ અલગ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે જે બહેનો ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે, તેઓએ જુના સચિવાલયમાં આવેલ ઇન્ડિયન પોસ્ટ ઓફીસની બહાર મુકેલ પોસ્ટ ડબ્બામાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કવરમાં રાખડી મોકલી હતી. તેના સાથે ફિક્સ પે રદ કરવાની વિનંતી કરતો પત્ર પણ લખ્યો હતો.
અમારી ફક્ત એક જ નાની માંગ છે. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે રક્ષાબંધનનું અનોખું મહત્વ છે. રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધીને પોતાની મનગમતી ભેટની માંગ કરે છે. ત્યારે અમે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈને એક માંગ રાખી છે. ભાઈ અમને આ રક્ષાબંધન નિમિત્તે ફિક્સ નીતિ નાબૂદ કરીને અમને ભેટ સ્વરૂપે આપે.-- કિંજલ પ્રજાપતિ (ફિક્સ પે કર્મચારી)
શું લખ્યું પત્રમાં ? ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા લખાયેલા પત્રમાં આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં લખ્યું હતું કે, આપને રક્ષાબંધન નિમિત્તે ભાઈ-બહેનના અનોખા પર્વની ઉજવણી રૂપે રાખડી મોકલી આપની અને ગરવી ગુજરાતની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપના નેતૃત્વમાં ગુજરાત વિકાસની ફાળ ભરી રહ્યું છે. તે ખરેખર બહેન તરીકે મારે ગૌરવ અનુભવવા જેવું છે. જોકે, આ તબક્કે એક બહેન તરીકે રક્ષાબંધનના પર્વ નિમિત્તે હું આપ સમક્ષ એક ભેટની અપેક્ષા રાખું છું. જે ભેટ રૂપે ગુજરાતમાં ફિક્સ પગારમાં અપાતી નિમણૂકો બંધ કરી નિયમિત નિમણૂક આપવામાં આવે. ગુજરાતના ભાઈઓ અને બહેનો 5-5 વર્ષ સુધી ફિક્સ પગારમાં સોસાઈ રહ્યા છે. જ્યારે 5 વર્ષની ફિક્સ નોકરી તો અંગ્રેજોના સમયની ગીરમીટીયા પ્રથાની યાદ અપાવે છે. જ્યારે આ નીતિ ગુજરાતની અસ્મિતાને ઝાંખા પર પહોંચાડનારી છે. જેથી આપ રાખડી સ્વીકારી ફિક્સ પ્રથા નાબુદી રૂપી ભેટ તમારી નાની બહેનોને અર્પણ કરશો. જય જય ગરવી ગુજરાત...
લી. આપની નાની બહેન
કર્મચારીઓની માંગ : ફિક્સ પગારમાં કામ કરતા અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખનાર કિંજલ પ્રજાપતિએ મીડિયા સાથેની વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમે રાખડી મોકલીને ફિક્સ પે હટાવવાની ભેટ માંગી છે. ઉપરાંત પગારના સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર કરે. ગુજરાતની બહેનોને આ ભેટ સ્વરૂપે મળે. ત્યારે આ અમારી એક નાનકડી માંગ છે કે, સરકાર અમારી માંગને સાંભળે અને તેને પૂર્ણ કરે.