ગાંધીનગર: ગુજરાતી ભાષામાં કહેવત છે કે 'સગા સૌ સ્વાર્થના'. જ્યાં સુધી વ્યક્તિને પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ તે લોકો સાથે ઘરોબો રાખતો હોય છે. ગાંધીનગર શહેરમાં કોરોના કેસની વધતી સંખ્યા પર નિયંત્રણ માટે અનેક જગ્યાએ અવારનવાર સેનિટાઇઝેશન હાથ ધરવામાં આવતુ હોય છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનો 24 કલાક મહેનત કરીને તે વિસ્તારને સેનિટાઇઝ કરી જંતુમુક્ત કરતા હોય છે.
પરંતુ આ જ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં અધિકારીઓ અને કોર્પોરેટરો કોના કેટલા સગા છે, તેની વિગત સામે આવી હતી. આ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય આઠ કર્મચારીઓને NICM સંસ્થામાં 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર મહેશભાઈ મોડને આ બાબતની ખબર પડતાં તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા અને કર્મચારીઓ સાથે વાતચીત કરીને તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે જણાવ્યું હતું.
વાતચીતમાં ક્વોરેન્ટાઇન થયેલા કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકામાંથી માત્ર કમિશનરનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ચેરમેન પહેલી વખત રૂબરૂમાં ખબર-અંતર પુછવા આવ્યા છે, તે સિવાય અત્યાર સુધી પોતાના વિસ્તારને જંતુમુક્ત કરવા માટે સતત ફોન કરતા એક પણ અધિકારી કે પદાધિકારી ખબર સુદ્ધાં પૂછવા આવ્યા નથી.