ગાંધીનગર : દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં 8મી નીતિ આયોગની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર હતા. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રસ્તુતિ કરી હતી અને દેશના ગ્રોથમાં ગુજરાત 10 ટકા હિસ્સેદારીનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
ગુજરાતની હિસ્સેદારી ટાર્ગેટ : નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત થકી દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય છે, જ્યારે ઉર્જા જરૂરિયાતો માટે ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગના વડાપ્રધાન મોદીના આહવાનને સાકાર કરવા ગુજરાત સજ્જ છે. હાલમાં ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત રિન્યુએબલ એનર્જીના વધારાના 100 ગીગા વોટ ઉત્પાદનનો ગુજરાતે લક્ષ્યાંક રાખ્યો છે.
2047 સુધીનો ટાર્ગેટ : નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10ટકાથી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતની નેમ સાથે આવનારા વર્ષોમાં ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી બનાવવાનું આહવાન કર્યું છે. ગુજરાતે આ દિશામાં આગળ વધતા નેશનલ ઇકોનોમીમાં 10ટકાથી વધુ સહભાગીતાનો લક્ષ્યાંક રાખ્યો છે.
નાણાંપંચના માપ દંડનું પાલન : ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશના આ અમૃતકાળમાં ગુજરાતનો વિકાસ પાંચ સ્તંભના આધારે કરવાના નિર્ધાર સાથે આ વર્ષનું બજેટ 3 લાખ કરોડ રૂપિયાનું રાખ્યું છે. એટલું જ નહીં આ નાણાકીય વર્ષમાં લગભગ દોઢ ટકા ફિસ્કલ ડેફિસિટ સાથે ગુજરાત 13માં નાણાપંચના બધા જ માપદંડોનું પાલન પણ કરે છે. રાજ્યના વિકાસના જે પાંચ સ્તંભ પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે. તેની વિગતો આપતા કહ્યું કે, ગરીબ અને જરૂરતમંદ વર્ગોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને સોશિયલ સિક્યુરિટી, માનવ સંસાધન વિકાસ, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહનથી રોકાણો અને રોજગાર અવસરમાં વૃદ્ધિ તથા ગ્રીન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પર ગુજરાતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ટ્રેડિશનલ એનર્જી પ્રોડક્શન હોય કે રીન્યુએબલ એનર્જી સેક્ટર ગુજરાતે એનર્જી સેક્ટરને હંમેશા પ્રાથમિકતા આપી છે. દેશની રિન્યુએબલ એનર્જીની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના 15ટકા એટલે કે 20 ગીગાવોટ ક્ષમતા ગુજરાતે મેળવી લીધી છે.
PM ગતિશક્તિ પલેટફોર્મનો ઉપયોગ : ભૂપેન્દ્ર પટેલ PM ગતિ શક્તિના નવતર વિચાર માટે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતે આ ક્ષેત્રે સાધેલી પ્રગતિની નીતિ આયોગની 8મી ગવર્નિંગ કાઉન્સિલને માહિતી આપતા કહ્યું કે, વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્યના ભિન્ન ભિન્ન ડેટા લેયર્સને પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઇન્ટીગ્રેટેડ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. અગાઉ કોઈપણ વિકાસ કાર્યોનું આયોજન કરતા મહિનાઓ થતા પરંતુ હવે થોડા જ અઠવાડિયામાં આખું પ્લાનિંગ થઈ જાય છે અને તેના પરિણામે વિકાસ પ્રોજેક્ટ ગતિપૂર્વક આગળ વધી રહ્યા છે.
ભારત નેટની એસેટનો સદઉપયોગ : ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસિસને નીતિ આયોગની આ બેઠકમાં ઉજાગર કરતા કહ્યું કે, જમીન સંપાદન સાથો સાથ એરિયા ડેવલોપમેન્ટ માટે પણ હવે પી.એમ. ગતિ શક્તિનો ઉપયોગ થાય છે. આ પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મના માધ્યમથી ભારત નેટની એસેટનો સદઉપયોગ કરીને સમગ્ર ગુજરાતમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ફાઇવ-જી સર્વિસીસ શરૂ કરવામાં આવી રહી છે, ગુજરાતે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્કૂલ, કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત ભવન વગેરેના પ્લાનિંગ માટે પણ પી.એમ. ગતિશક્તિનો વ્યાપક ઉપયોગ કર્યો છે તેનું વિવરણ તેમણે આપ્યું હતું.
2024 વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. હવે આગામી 2024ના જાન્યુઆરીમાં યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારી ગુજરાતે શરૂ કરી હોવાની જાહેરાત CM ભૂપેન્દ્ર પટેલે કરી હતી. ઇકોનોમિક એક્ટિવિટીઝ આધારિત શહેરોના વિકાસ પર વધુ ફોકસ કરવાની સંકલ્પનાને અનુરૂપ ગિફ્ટ સિટી, ધોલેરા અને ડ્રીમ સિટી જેવા ગ્રીનફિલ્ડ આધારિત ઇકોનોમિક સિટીઝન ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતની મજબૂત અર્થવ્યવસ્થામાં MSMEના મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરતા કહ્યું કે, 12 લાખ જેટલા એમ.એસ.એમ.ઇ ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા છે. આ એમ.એસ.એમ.ઇ દ્વારા અંદાજે 63 હજાર કરોડથી વધુના રોકાણ આવ્યા છે અને 75 લાખ લોકોને રોજગારી મળી છે હોવાની વિગતો CM ભુપેન્દ્ર પટેલે આપી હતી.