- દિલ્હી ખેડૂત આંદોલનમાં હવે ગુજરાતના 6 અધિકારીઓ કરશે તપાસ
- નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 6 સાઇબર એક્સપર્ટ લાગ્યા તપાસમાં
- દિલ્હી પોલીસને મદદ કરશે ગુજરાતની સ્પેશિયલ સાઈબર એક્સપર્ટ ટીમ
ગાંધીનગર : 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો હતો, ત્યારે હવે આ બાબતે દિલ્હી પોલીસ દ્વારા પણ ખેડૂત આંદોલનકારીઓ સામે કાયદેસરનો કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ તપાસમાં દિલ્હી પોલીસે ગાંધીનગર આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 6 સાઈબર એક્સપર્ટની પણ મદદ લીધી છે.
6 સાઇબર એક્સપર્ટ પહોંચ્યા દિલ્હી, તપાસ પણ શરૂ
દિલ્હીની ખેડૂત હિંસા આંદોલન બાબતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર જે. એમ. વ્યાસે ETV BHARAT સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 6 સાઈબર એક્સપર્ટ દિલ્હી પોલીસની મદદ માટે શનિવારે રાત્રે જ દિલ્હી પહોંચી ગયા છે. આ સાથે કેસની વિગતો લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત તેમને લાલ કિલ્લા અને ITO જેવા વિસ્તારમાં તપાસ પણ શરૂ કરી દીધી છે.
1,700 જેટલા CCTVની થશે તપાસ
26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ ટ્રેક્ટર રેલીની પરવાનગી માંગી હતી અને દિલ્હી પોલીસ દ્વારા પરવાનગી પણ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ અનેક જગ્યા પર હિંસા ભડકી ઉઠી હતી અને પોલીસ તથા ખેડૂતો વચ્ચે સંઘર્ષ પણ થયું હતું, ત્યારે આ બાબતે હવે જે જગ્યા પર સંઘર્ષ થયા હતા. તેની ઉંડાણપૂર્વકની તપાસ માટે ગુજરાતના 6 સાઈબર એક્સપર્ટની ટીમ દિલ્હી પહોંચી છે. જે આ સમગ્ર તપાસ દરમિયાન કુલ 1,700થી વધુ CCTVફૂટેજની ચકાસણી કરશે અને હિંસા ફેલાવનારાઓની ઓળખ કરવામાં મદદ કરશે.
સાઇબર એકસપર્ટની આગેવાની પ્રોફેસર દિગ્વિજયસિંહ રાઠોડ હેઠળ
નેશનલ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. વ્યાસે ETV BHARAT સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાઈબર એક્સપર્ટના 6 સભ્યો દિલ્હી ખાતે થયેલી હિંસામાં તપાસ માટે દિલ્હી પહોંચ્યાં છે. તેમને તેમની રીતે સમગ્ર ઘટનાની તપાસ કરશે. આ એક્સપર્ટ ટીમની આગેવાની ગુજરાતના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર દિગ્વિજયસિંહ રાઠોડ કરી રહ્યા છે. આ 6 સભ્યોની ટીમ દિલ્હીના હિંસા થયેલા તમામ સ્થળોની મુલાકાત લેશે. આ સાથે જ 1,700થી વધુ CCTV નેટવર્કની પણ ચકાસણી કરશે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ