પશ્ચિમી સંસ્કૃતિને કારણે દરેકની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. ખાનપાનમાં પણ ફેરફાર આવ્યો છે. લોકોને સ્વાસ્થય ઉપરાંત શારીરિક સમસ્યાઓમાં વધારો થયો છે, ત્યારે કલોલમાં આવેલી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા 'સાયકલ ચલાવો આરોગ્ય જાળવો'ના બેનર હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ સાયકલ લઇને વિવિધ પ્રકારના બેનરો સાથે જોડાયા હતા.
આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય એ.કે પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવો, પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવવા માટેના અભિયાન વિશે પણ વાત કરી હતી અને આપણી એક ફરજના ભાગ રૂપે આ અભિયાનમાં સહભાગી થવા જણાવ્યું હતું. એટલું જ નહીં આ વર્ષે સમગ્ર દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે ત્યારે આ શાળા દ્વારા પણ ગાંધી જયંતિના દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.