ગાંધીનગર: શહેરના સેક્ટર-3એ ન્યૂ ખાતે રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. તેમના પરિવારના સભ્યોને કવોરેન્ટાઇન હેઠળ રાખીને 58 વર્ષીય પતિના સેમ્પલ લેવાયા હતા, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સે-20 ખાતે રહેતા 72 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થયા છે. દહેગામમાં વેટરનરી ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને સેકટર-25ની સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય પુરુષ અને અમદાવાદમાં કોર્પોરેશનની શાળામાં ફરજ બજાવતાં તેમના પત્ની પણ કોરોનામાં સપડાયા છે.
સે-7સી ખાતે રહેતા 62 વર્ષીય નિવૃત્ત સરકારી અધિકારી, સેકટર-14માં રહેતા અને ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા 55 વર્ષીય પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સે-4એ ખાતે રહેતા અને સે-25 જીઆઈડીસીમાં નોકરી કરતા 38 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. કલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને સેકટર-3એ ખાતે રહેતા 40 વર્ષીય હેડ કોન્સ્ટેબલ કોરોના સંક્રમિત થતા તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે.
નવા નોંધાયેલા 18 પોઝિટિવ દર્દીઓમાં ઝુંડાલની 25 વર્ષની યુવતીથી માંડી ધમાસણાના 78 વર્ષના વૃદ્ધ સહિતના લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા પૈકી ગાંધીનગર તાલુકામાં વધુ એક વખત 10 કેસ સામે આવ્યા છે. તેમાં કોબામાં 72 અને 65 વર્ષની બે સ્ત્રી અને 53 વર્ષના પુરૂષ સહિત 3 કેસ, અડાલજમાં 41 વર્ષનો પુરૂષ, મગોડી ગામમાં 43 વર્ષનો પુરૂષ, રાંધેજા ગામમાં 58 વર્ષનો પુરૂષ, લવારપુર ગામમાં 37 વર્ષનો પુરૂષ અને સરગાસણમાં 53 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. તેમજ ઝુંડાલ ગામમાં 25 વર્ષની યુવતી અને ઇસનપુર મોટામાં 48 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ થયા છે.
સૌથી વધુ પ્રભાવિત તાલુકામાં બીજા ક્રમે કલોલ પંથક આવે છે. કલોલ શહેરમાં 53 અને 45 વર્ષની બે મહિલા અને 68 તેમજ 63 વર્ષના બે પુરૂષ સહિત 4 કેસ નોંધાયા છે. તેમજ તાલુકાના ધમાસના ગામમાં 78 વર્ષના વૃદ્ધ, નારદીપુર ગામમાં 48 વર્ષના પુરૂષનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત માણસા શહેરમાં પણ 40 વર્ષના એક પુરૂષને કોરોના થયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયુ છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ 18 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 866 થયો છે. તેમજ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં અત્યાર સુધી 410 દર્દી સામે આવ્યા છે. તેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 1276 થયો છે.