ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના આઠ જેટલા સભ્યોએ રાજીનામુ આપ્યું હતું, ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની પેટાચૂંટણી જાહેર કરવામાં આવશે. જેની માટે ટિકીટ લેવા અત્યારથી જ લોબિંગ શરૂ કરી દેવાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ લુણી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી ત્યારથી જ મુલાકાતને લઇને અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યોએ ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેઓને ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવશે કે નહીં તેવા સવાલો વચ્ચે તમામ પૂર્વ ધારાસભ્યો અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મૌન સેવ્યું હતું. જેની સામે મોવડીમંડળ જે નક્કી કરશે તેવા વ્યક્તિને જ વિધાનસભા પેટા ચૂંટણીની ટિકિટ આપવાના એંધાણ વર્તાય છે, ત્યારે રાજ્યની આઠ વિધાનસભા પેટા ચૂંટણી બાબતે કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યમાંથી માત્ર બે જ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કરાશે.
![વિધાનસભા પેટા ચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7832338_gnr.jpg)
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા જીતુ ચૌધરી અને અક્ષય પટેલને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જ્યારે આ બંને ધારાસભ્યએ ભાજપના ચિહ્ન સાથે ચૂંટણી લડવાની શરત સાથે જ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયેલા અન્ય ત્રણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં લડે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. પૂર્વ ધારાસભ્યમાં ભાજપ બ્રિજેશ મેરજા પ્રદ્યુમનસિંહ જાડેજા અને જેવી કાકડિયાને 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વતી ચૂંટણી લડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હવે ચૂંટણી પંચ ગમે તે સમયે રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણી જાહેર કરી શકે છે, ત્યારે આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી મુદ્દે બુધવાર સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાશે. જેમાં તમામ પ્રધાનો હાજરીમાં ચૂંટણીની ચર્ચા કરવામાં આવશે. તેમજ કેન્દ્રીય ભાજપ મોવડી મંડળ દ્વારા પેટા ચૂંટણી મુદ્દે જે આયોજન કરવામાં આવ્યું છે તે અંગે ક્રમબદ્ધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.