ગાંધીનગરઃ આંદોલનકારીઓ પૂજા સાગઠીયા, રીંકલ ચૌધરી, હેતલ, અસ્મીતા, દક્ષા, જયશ્રી, ભાવના સાથે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ(BAAS)ના હસમુખ સક્સેના, ભરતભાઈ ચૌધરી, રામજીભાઈ ઠાકોર, અને વિષ્ણુભાઈ માલધારીએ 1/8/2018નો પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરશે. ત્યારે શુક્રવારે સેક્ટર-7 પોલીસે ઉપવાસ કરી રહેલાં 11 લોકો સામે અટકાયતી પગલાં લઈને મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતા.
આંદોલનકારી પૂજા સાગઠીયાએ કહ્યું હતું કે, 46 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોનલ કરીએ છે. પોલીસ છાવણી આવી હતી અને મેડિકલ કરાવવાના બહાને અમને કલેક્ટર કચેરી લઈ આવી હતી. જ્યાં અમારી પાસે સહી નહીં કરો તો સેન્ટ્રલ જેલ જવું પડશે કહી જામીન પર સહીઓ કરાવાઈ હતી. ગુજરાત સરકારે ડૂબી મરવું જોઈએ જે આટલી હદે જાય છે એવું હોય તો અમને ગોળીએ દઈ દો.’
આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ એચ. જે. સિંધવે કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ મરવાની વાત કરે એટલે તેની સલામતિ અમારી પ્રાયોરિટી હોય છે. આમણાંત ઉપવાસ પર બેઠેલી યુવતીઓની મેડિકલ તપાસ માટે અમે ગયા હતા, તેઓએ તપાસની ના પાડતા અમે અટકાયતી પગલાં લીધા હતા પછી જામીન પર છોડી હતી.