પાટણ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે પાટણમાં પણ 200 વર્ષ જુના પ્રાચીન રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મહાયજ્ઞમાં યજમાન પરિવારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતી અર્પણ કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ વૈદિક વિધિ જોઈને પાટણની મુલાકાતે આવેલા ફ્રાંસનું દંપતી અભિભૂત બન્યું હતું.
પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ પર શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આડે હવે ગણતરીના કલાકો બાકી છે. જેને લઇ તમામ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અયોધ્યા મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે પાટણમાં પ્રાચીન રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. શારદા સિનેમા વિસ્તારમાં ગિરધારી મંદિર રોડ ઉપર આવેલ આ મંદિર 200 વર્ષ જૂનું છે. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાન પરિવારોએ યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી.
રામનામે રંગાયા વિદેશી : ગુજરાતના પ્રાચીન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવેલ ફ્રાન્સનું દંપતી પણ રામજી મંદિર ખાતે સ્વૈચ્છિક રીતે આવી પહોંચ્યું હતું. મંદિર ખાતે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક વિધિ જોઈ આ દંપત્તિ ભાવવિભોર બન્યું હતું. તેમણે ભગવાન રામના દર્શન કરી મંદિરમાં સતત ત્રણ કલાક જેટલો સમય બેસી રહ્યા હતા. ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ નિહાળી અલૌકિક શાંતિનો અનુભવ કર્યો હતો.
રામમય થયું પાટણ : પાટણ શહેર હાલ રામમય બન્યું છે. પાટણનાં રામજી મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. શોભાયાત્રાનું ઠેર ઠેર નગરજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાઓથી જાણે પાટણ શહેરે ભગવો ધારણ કર્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.