- 300 પ્રવાસીઓ એક ટ્રીપમાં પ્રવાસ કરી શકશે
- કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા 31 માર્ચે લોકાર્પણ કરશે
- હજીરા-ઘોઘા વચ્ચે ભારત સરકારે શરૂ કરેલી રો-પેક્સ ફેરીની ભવ્ય સફળતા બાદ વધુ એક સેવાની શરૂઆત
સુરતઃ હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝનું પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચ 2021ના રોજ સાંજે 4:30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ સમયે ક્રુઝની સેવા અંગે પણ માહિતી આપવામા આવશે.
300 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે
આ ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. સાથે જ તેમાં 16 જેટલી કેબિનો પણ આવેલી છે.
આ પણ વાંચોઃ ફાઇવ સ્ટાર સુવિધાઓથી સજ્જ ‘મેગેલન’ જહાજ અલંગ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યું
અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે
આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. ત્યારબાદ શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં પ્રવાસ કરાવશે. આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ચાર મહિના પહેલા પ્રધાન મંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ તથા હજારો વાહનોએ આ સેવાનો લાભ લીધો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેની ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે ક્રૂઝ બોટ, જાણો શું છે સુવિધા..?