- 36 લાખના ખર્ચે અદ્યતન સુવિધાવાળું શાકમાર્કેટ
- માર્કેટના તાળા 8 વર્ષથી નથી ખૂલ્યા
- શાકભાજી ધંધાર્થીઓને રોડ પર શાક વેચવું પડે છે
ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) : મેટ્રો શહેરોની જેમ હવે ખોબા જેવડા ખંભાળિયામાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. ઠેર-ઠેર રોડ રસ્તાઓ પર દબાણ, પાથરણાવાળા અને શાકભાજીવાળા ધંધા માટે બેઠા હોય છે. શાકભાજીના ધંધાર્થીઓને રોડ રસ્તાઓ પર ઠેર-ઠેર ધંધા માટે છુટા છવાયા ના રખડવું પડે અને નગરજનોને પણ એક જ જગ્યાએથી શાકભાજી મળી રહે, તેવા હેતુથી વર્ષ ૨૦૧૩માં ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાએ રૂપિયા 36 લાખને ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે શાકમાર્કેટ બનાવી હતી. જે શાકમાર્કેટ તૈયાર થયાના 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાંય હજુ સુધી શાક માર્કેટના તાળા જ ખુલ્યા નથી. નવીનકોર શાક માર્કેટ બની ત્યારથી બંધ પડી છે. શાકભાજી ધંધાર્થીઓને રોડ રસ્તા અને શેરીઓમાં રજળપાટ કરવો પડે છે. નગરજનોની સુવિધા અને ધંધાર્થીઓના સુખાકારીમાટે બનાવાયેલ આ માર્કેટનું હવે જો લોકાર્પણ થાય તો ગામમાં જૂની શાક માર્કેટ જવામાં લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે તેમાં પણ રાહત મળી શકે તેમજ નગરજનો વેપારીઓને સુવિધા મળી શકે તેમ છે.