દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડ રોડ પર આવેલા ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયા વચ્ચેનો પુલ અચાનક તૂટી ગયો હતો, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગની પોલ ખુલી રહી છે.
જિલ્લામાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અમુક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે સરકારી કામોની પોલ ખુલી રહી હોય તેવું બહાર આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામ બાદ મંગળવારે ભાણવડ રોડ પર આવેલા ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયા વચ્ચેનો પુલ અચાનક તૂટી ગયો હતો, જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ લોકોને અવર જવર માટે ખૂબજ તકલીફ પડી રહી છે.
આ પુલ તૂટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે અને પુલ પાસે ડાયવર્ઝન નીકળી શકે એમ ન હોવાથી લોકો જીવના જોખમે તૂટેલા પુલ પરથી પસાર થતાં નજરે પડી રહ્યા છે. અવરજવર માટે લોકો ગુંદા ગામેથી ફરીને જવા મજબુર બન્યા છે. જોકે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા મોડેથી ડાયવર્ઝન મામલે કાર્યવાહી શરૂ કરાઇ હતી.