- સંત શ્રી શ્રી 1008 શ્રી નર્મદા નંદ મહારાજ દ્વારકા પહોંચ્યા
- બાર જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરતા સંત શ્રી શ્રી 1008 શ્રી નર્મદા નંદ મહારાજ
- જળ, પર્યાવરણ અને ગૌમાતાના રક્ષણનો હેતુ
- યાત્રા દરમિયાન અનેક સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું
- કુલ અઢાર હજાર કિલોમીટરની મહારાજ શ્રીની પગપાળા યાત્રા
દ્વારકા: ભારત દેશના સાધુ સંતો દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, જળ બચાવો અભિયાન કે પછી પર્યાવરણ બચાવો અભિયાન તેના માટે પોતાના જીવનમાં અને કઠોર તપસ્યા કરે છે. સાધુ સંતો પોતાના શરીરને કઠોર કષ્ટ આપી રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે.
બાર જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરવાનો સંકલ્પ
મધ્યપ્રદેશના એક સંત શ્રી શ્રી 1008 શ્રી નર્મદા નંદજી મહારાજ ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે જળને બચાવવું જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ તેવા હેતુ સાથે જનજાગૃતિ અભિયાનના સુંદર વિચારો સાથે તેઓએ ભારતના તમામ બાર જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરવાનો સંકલ્પ કર્યો છે. આ પગપાળા યાત્રા 2019થી ગંગોત્રી ધામથી શરૂ કરી 27મી જાન્યુઆરી 2021માં ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે.
આ યાત્રાના કુલ 10 જ્યોતિર્લિંગોના દર્શન કરી મહારાજ શ્રી શ્રી ની યાત્રા આજે યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચી હતી. યાત્રાધામ દ્વારકાના ધર્મપ્રેમી જનતા દ્વારા મહારાજ શ્રી નર્મદા નંદજીનુ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો અને ધર્મ પ્રેમી પ્રજા દ્વારા તેમને મુખ્ય મહેમાન તરીકે બિરાજમાન કરી ધર્મ સભાનું પણ આયોજન કર્યું હતું.
યાત્રા દરમિયાન અનેક સ્થળો પર વૃક્ષારોપણ કર્યું
મહારાજ શ્રી શ્રી 1008 દરરોજ સવારે પોતાની યાત્રા શરૂ કર્યા પહેલા દરેક સ્થળ ઉપર એક વૃક્ષ વાવી રાષ્ટ્રધર્મ બજાવી લોકોને સંદેશો આપ્યો કે, આપણે પાણી અને વૃક્ષોનું જતન કરી આપણા દેશને બચાવવો છે.
અત્યાર સુધીમાં 18 હજાર કિલોમીટરની કરી યાત્રા
કુલ 18 હજાર કિલોમીટરની યાત્રા અનેક કષ્ટો વેઠીને ભારતના લોકોને સંદેશો આપ્યો કે, જો આપણે આપણો દેશ બચાવો હોય તો ગૌમાતાનું જતન કરવું, પર્યાવરણની રક્ષા કરવી અને પાણી બચાવવું જોઈએ. દ્વારકાથી પગપાળા યાત્રા કરી મહારાજશ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી તેઓ ઓમકારેશ્વર મધ્યપ્રદેશ તરફ પગપાળા પ્રયાણ કરશે.