દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાનું જામરાવલ ગામ ચોમાસાની ચાલુ સીઝનમાં ચોથી વખત બેટમાં ફેરવાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ ત્રણ માસમાં ચોથી વખત બેટમાં ફેરવાયું છે.
જિલ્લાના જામ કલ્યાણપુર પંથકમાં આવેલા સાની ડેમનું રીપેરીંગ કામ ચાલુ હોવાના કારણે તેના બધા દરવાજા ખુલ્લા હોવાથી વરસાદી પાણી જામરાવલ ગામ અને જામ કલ્યાણપુરને જોડતા રોડ પર ઘુસ્યા હતા.
જામકલ્યાણપુર અને જામરાવલ ગામમાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જામ રાવલ ગામના લોકો સ્થાનિક હોળીની મદદ લઇ રહ્યા છે, તેવો એક વીડિયો વાઇરલ થયો હતો. ભાણવડ પંથકમાં ભારે વરસાદથી વર્તુ-2 ડેમમાં પાણીની આવક વધી જતાં ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં હતા, જેથી કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાં પાણી ભરાઈ જતાં લોકોને ખૂબજ નુકશાન થયું હતું.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ હવામાન વિભાગે પણ આગામી 16 ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.