દેવભૂમિ દ્વારકા: ધુળેટી એ અબીલ, ગુલાલ અને કલરનો ઉત્સવ હોય અને કાળીયા ઠાકોરને યાદ ન કરાય તો તહેવાર અધૂરો ગણાય. ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના મુખ્ય મંદિરમાં ભક્તો દ્વારા દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ફૂલડોલ ઉત્સવ ઊજવવામાં આવે છે.અહીં ગુજરાતભરના તેમજ ગુજરાત બહારના રાજ્યોના પણ યાત્રાળુઓ દર વર્ષે અબીલ ગુલાલથી ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવે છે. તેમજ ઉત્સાહપૂર્વક નાચે છે.
ભગવાન દ્વારકાધીશના રાસ ગરબાની રમઝટ સાથે આ ફૂલડોલ ઉત્સવમાં એવો માહોલ જામે છે કે, જાણે ખુદ દ્વારકાધીશ આ યાત્રાળુઓના તન-મનમાં જોવા મળે છે. આજના દિવસે લોકો પોતાના દુઃખ ભૂલીને એકબીજાને અબીલ-ગુલાલ છાંટીને ભાઈચારાથી ફૂલડોલ ઉત્સવ ઊજવે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસના ભયનો માહોલ બન્યો છે. પરંતુ દ્વારકામાં આ વાયરસ જાણે સામાન્ય તાવ હોય તેમ લોકો એકબીજાને ગળે મળીને ભેટીને ફૂલડોલ ઉત્સવ મનાવ્યો હતો, અને જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આવ્યા પછી કોઈપણ વાયરસ કામ કરતો નથી. ભગવાન દ્વારકાધીશ બધાંની રક્ષા કરે છે.