દેવભૂમિ દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જગત મંદિરની ગરિમા જળવાય રહે તેવા વસ્ત્રો પહેરીને જ મંદિર પરિસરમાં પ્રવેશ કરવો એવા બેનરો લગાડવામાં આવ્યા છે. વસ્ત્રોને નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા દ્વારકાધીશ મંદિરમાં યાત્રીકો ભારતીય સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને જ જગતમંદિરમાં પ્રવેશે આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જગતમંદિરે આવતાં કોઈપણ ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે લેવાયેલા નિર્ણય અંગે જગતમંદિરના પરિસરમાં ગુજરાતી - હિન્દી - અંગ્રેજી ભાષામાં બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ માધ્યમોથી પણ જગતમંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. - પાર્થ તલસાણીયા (પ્રાંત અધિકારી)
બેનરો લગાવ્યા : ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું મુખ્ય અને પ્રમુખ તીર્થધામ છે, અહીં રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે, ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક પ્રતિબંધ મુકાયો છે. દ્વારકાના મંદિરમાં આવનારા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે મંદિરની બહાર અનેક બેનરો લગાવી યાત્રિકોને ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે.
ટુકાં વસ્ત્રોમાં પ્રેવશ નહીં મળે : મંદિરના બહાર બોર્ડ મુકાયા કે ભારતીય સંસ્કૃતિની શોભે તેવા વસ્ત્રો પહેરેલા હશે તેમને દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. લોકોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરતા બેનરો મંદિરમાં વિવિધ સ્થળે લગાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હોટલ માલિકો રીક્ષા ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા પણ બહારથી આવતા પ્રવાસીઓને આ નિર્ણય અંગે માહિતગાર કરવા અનુરોધ કરાયો છે.
ઘણા મંદિરોમાં પ્રતિબંધ : હાલ ગુજરાતમાં આવા ઘણા મંદિરો છે. તેમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. જેમ કે, શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે એ જ રીતે અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી.
લોકોને ખાસ વિનંતી : છેલ્લા કેટલાક વર્ષોથી યુવક યુવતીઓ વેસ્ટન પહેરવેશના મોહ-માયામાં ફસાયેલા છે. ફેશનેબલ દેખાવા માટે ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં જાય છે. આવા સમયે યુવક યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ સર્જાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગૂ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં જોકે કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બરમુડા પેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલાઓ માટે દુપટાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.