- યુવાનનું અપહરણ કરીને માર માર્યો
- નિવસ્ત્ર કરી ખંભાળિયાની બજારમાં કાઢ્યુ સરઘસ
- બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રેન્જ IG સંદીપસિંહ ખંભાળિયા દોડી આવ્યા
- યુવાનનું અપહરણ કરી સરઘસ કાઢનારા બે આરોપીઓની ધરપકડ
દેવભૂમિ દ્વારકા : જિલ્લાનાં મુખ્ય મથક ખંભાળીયા ખાતે ક્રિકેટના સટ્ટાનો કેસ થયો હતો. જેમાં ફરિયાદી દ્વારા ફેસબુકમાં લાઈવ કરી ક્રિકેટના સટ્ટાના કેસના આરોપીઓ બાબતે ચર્ચા કરી હતી. આ બાબતે મનદુઃખ રાખી ધરારનગર ખંભાળીયામાં રહેતા આ યુવાનને આરોપીઓ દ્વારા ખંભાળીયાના શારદા સિનેમા પાસે પાનની દુકાન પાસેથી અપહરણ કરી કારમાં બેસાડી મૂઢ માર માર્યો હતો. તેમજ ફરિયાદીને વિરમદળ રોડ પર લઈ જઈ મોબાઈલ તોડી અને નિર્વસ્ત્ર કરી આરોપીઓ માણસી ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણીએ ઢીકા પાટુ મારી બદનામ કરવાના બદઇરાદે નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ વીડિયો વાયરલ કરી મનફાવે તેમ અભદ્ર ભાષા વાપરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પીડિત યુવકે ખંભાળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કઇ કઇ કલમ હેઠળ નોંધાયો ગુનો
IPC કલમ 365, 342, 323, 294(ખ), 427, 355, 506(2), 120(બી) તેમજ IT એક્ટ કલમ 67, 66(ઇ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવ ખંભાળીયા પોલીસ મથકથી માત્ર 300 મીટરના અંતરે બની હોવાને કારણે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ત્યારે ખંભાળીયા પોલીસ દ્વારા પત્રકારોને આ સમગ્ર મામલેથી દૂર રાખવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા સમગ્ર મામલો મામલો થાળે પાડવાની કોશિશ
પોલીસે ફરિયાદી યુવાન દ્વારા ફરિયાદ નોંધાતા બે આરોપીની અટકાયત કરી જાહેરમાં ફુલેકુ કાઢી પોતાની આબરૂ બચાવવાનો મરણીયા પ્રયાસ કર્યો હતો. યુવાનને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં માર મારવામાં આવ્યો અને તેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવવાની અને રીતસર મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવતા અનેક પ્રશ્નો સર્જાયા હતા.