- ખંભાળિયાના જોધપુર ગેટ પાસે ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધારણ પ્રદર્શન કરવામાં આવ્યું
- ખેડૂત સંગઠનો પોતાના હક અને અધિકારની વાત લઈને ત્રણ કાળા કાયદા વિરુદ્ધમાં આંદોલનો
- ત્રણ કાયદાઓ ઘડવામાં આવ્યા તેના કારણે ખેડૂતો રાજકીય પાર્ટીઓ ખેડૂતોના સમર્થનમાં આંદોલન કરે છે
દેવભૂમિ દ્વારકા: કૃષિ કાયદાનાં વિરોધમાં છેલ્લા ઘણા સમયથી દેશભરમાં આંદોલનો અને ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. એવામાં કાયદાઓનાં વિરોધમાં અને કડકડતી ઠંડીમાં અડીખમ વિરોધ કરી રહેલા ખેડૂતોનાં સમર્થનમાં ખંભાળિયા ખાતે કોંગ્રેસ કિસાન સમિતી દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ ત્રણ કાયદાનો મુદ્દો ખેડૂતોમાં ખૂબ વિશાળ રૂપ ધારણ કરી રહ્યો છે
ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયાના જોધપુર ગેટ પાસે ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધારણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશમાં લગભગ 450થી વધારે ખેડૂત સંગઠનો પોતાના હક અને અધિકારની વાત લઈને ત્રણ કાળા કાયદા વિરુદ્ધમાં આંદોલનો ચલાવી રહ્યા છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર સંઘર્ષ સમિતિનાં આગેવાનોએ એક મોટું ખેડૂત સંમેલન કરવાની જાહેરાત કરી ત્યારે તાનાશાહી કરીને સરકારે ખેડૂતોનાં અવાજને દબાવવા માટે પરવાનગી ન આપી હતી અને જે આગેવાનોની ધરપકડ થઈ છે એના સંદર્ભમાં આજે ખંભાળિયામાં મૌન ધારણ રાખી સરકારની આંખ ખુલે તેવા પ્રયત્નો કર્યા છે. એકતરફ એવું કહેવામાં આવે છે કે, અન્નદાતા એ જ દેશનાં ભાગ્યવિધાતા છે, ત્યારે ખેડૂતો સાથે આ પ્રકારનો વ્યવહાર કેટલી હદ સુધી યોગ્ય કહેવાય?